દિવાળી વેકેશન પૂરું થવામાં છે અને માર્ચ-એપ્રિલ મહિનામાં શાળાકીય વેકેશન પડી જશે. વર્ષ 2022માં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રમાં ફી વધારવા ખાનગી શાળાઓ તત્પર બની છે અને સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ સમક્ષ ફી વધારો માગતી દરખાસ્તો થવા લાગી છે. વર્તુળોમાંથી જાણવા મળ્યા પ્રમાણે હાલના તબક્કે ફી વધારાની નવી દરખાસ્તો સમિતિ ધ્યાને લેશે નહીં, પરંતુ ત્રણેક વર્ષ પહેલાની પડતર રહેલી દરખાસ્તોના રીન્યુઅલ કરવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવાનું વલણ અપનાવે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના કાર્યક્ષેત્રમાં
બોટાદ અને કચ્છ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, ગિર સોમનાથ સહિત 10 જિલ્લાની 6 હજાર જેટલી ખાનગી શાળાઓ આવે છે. આમાંથી જે શાળાઓએ ફીનું ધોરણ યથાવત રાખ્યું હોય તેમણે એફિડેવીટ કરી સરકારને ફી નહીં વધારી હોવાની ખાતરી આપવાની રહે છે. જે શાળાઓ ફી વધારવા માગતી હોય તેમણે શા માટે ફી વધારો કરવો છે, તેનું કારણ દર્શાવી સાથે શાળાની બેલેન્સશીટ સહિતના દસ્તાવેજો આપી ફી વધારાની દરખાસ્ત એફઆરસી સમક્ષ કરવાની રહે છે. એ દરખાસ્ત તપાસ્યા બાદ શાળાએ માગેલો ફી વધારો યોગ્ય છે કે નહીં, ફી વધારો મંજૂર કરવો કે નહીં, કેટલા ટકા ફી વધારો ગ્રાહ્ય રાખવો વગેરે નિર્ણય જાહેર કરે છે.
રાજ્ય સરકારે ધોરણ 1થી 8 સુધીમાં વાર્ષિક ફી 15 હજાર રૂપિયા, ધોરણ 9થી 10માં 25 હજાર, ધોરણ 11 અને 12માં 27 હજાર અને ધોરણ 11 અને 12 સાયન્સમાં 30 હજાર રૂપિયા સુધીની ફીનું ધોરણ મંજૂર અને માન્ય રાખ્યું છે. આ રકમથી વધારે ફી લેવા માગતી શાળાઓએ એફઆરસી સમક્ષ દરખાસ્ત કરવાની રહે છે.
કોરોનાને કારણે પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહ્યું હતું અને વાલીઓની આર્થિક હાલત કફોડી થઈ હતી ત્યારે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા માફી કરી આપી હતી. હવે જે શાળાઓએ નવા શૈક્ષણિક સત્ર 2021-22માં પાંચ ટકાથી 15 ટકા સુધી ફી વધારાની દરખાસ્ત કરી છે તેઓ 25 ટકા ઘટાડા વગરની મૂળભૂત ફી પર વધારો માગે અને તે મંજૂર રહે તો વાલીઓને આ વર્ષે 40 ટકા સુધી વધારે ફી ભરવાનો ડામ ભોગવવો પડે તેવી સ્થિતિ થઈ શકે છે. અલબત્ત, હજુ સુધી સરકારે આ મામલે ફોડ પાડયો નથી અને ફી વધારો મંજૂર રહેશે કે નહીં, કેટલા ટકા મંજુર રહેશે તે બાબતની સ્પષ્ટતા આગામી સમયમાં થશે.