કેન્દ્ર સરકાર બ્લેક ફંગસની દવાઓની કમી દૂર કરવા સતત પ્રયાસ કરી રહી છે. બ્લેક ફંગસની સારવારમાં લિપોસોમલ એન્ફોટેરેસિરિન બી નામના ઇન્જેક્શનનો ઉપયોગ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સૂચના આપી છે કે, દુનિયામાં કોઇપણ ખૂણે આ દવા મળે, તો તેને ભારત લાવવામાં આવે. સાથે જ કેન્દ્ર સરકારે પાંચ કંપનીઓને લિપોસોમલ એન્ફોટેરેસિરિન બી બનાવવા માટે લાયસન્સ આપ્યું છે.
પીએમ મોદી સતત બ્લેક ફંગસ અને લિપોસોમલ એન્ફોટેરેસિરિન બીની ઉપલબ્ધતા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી રહ્યાં છે. સરકારી સૂત્રો અનુસાર, પીએમ મોદીએ અધિકારીઓને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે દુનિયામાં કોઇપણ દેશમાં આ દવા મળે, તેને તરત ભારત લાવવામાં આવે. આ માટે દુનિયાભરમાં રહેલા ભારતીય દૂતાવાસોની મદદ લેવાઇ રહી છે. ભારતીય દૂતાવાસ જે-તે દેશમાં લિપોસોમલ એન્ફોટેરેસિરિન બીની શોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાની ગલિયડ સાયન્સિસ નામની કંપની આ મામલે મદદ કરી રહી છે. આ કંપની ભારતને રેમડેસિવિર પણ ઉપલબ્ધ કરાવે છે.
હવે તે લિપોસોમલ એન્ફોટેરેસિરિન બી પણ ભારતને ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યાર સુધી 1,21,000 વાયલ અથવા શીશી ભારત મોકલવામાં આવી છે. આગામી સમયમાં 85,000 વાયલ પહોંચશે. કહેવાઇ રહ્યું છે કે, ગલિયડ સાયન્સિસે માયલન દ્વારા ભારતમાં લિપોસોમલ એન્ફોટેરેસિરિન બીના 10 લાખ ડોઝ મોકલવાનો લક્ષ્યાંક રાખ્યો છે.