ચીન અને પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતીય સૈન્યની તાકાતમાં વધારો થયો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન માર્ક 1 એ રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
તમિલનાડુ અને કેરળના પ્રવાસ વખતે વડાપ્રધાન મોદીએ 118 સ્વદેશી અર્જુન મેન બેટલ ટેન્ક ચેન્નાઈ ખાતે સૈન્ય પ્રમુખ જનરલ એમ. એ. નરવણેને સોંપતા ગર્વની લાગણી વ્યક્ત કરી કહ્યું કે તમિલનાડુ દેશનું ટેન્ક મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. ત્યાર બાદ વડાપ્રધાને તમિલનાડુમાં વિકાસની એક પછી એક પરિયોજનાઓનો આરંભ કરાવ્યો હતો. તેમણે 3770 કરોડના ચેન્નાઈ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1 એક્સટેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
તમિલનાડુમાં વિવિધ યોજનાઓના આરંભ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આજે ચેન્નાઈથી અમે ઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ ઇનોવેશન અને સ્વદેશી વિકાસનું પ્રતીક છે. તેનાથી તમિલનાડુનો વધુ વિકાસ થશે. કોરોના મહામારી છતાં તમામ પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવામાં આવી છે. ચેન્નઈને તેમણે મહાન અને જ્ઞાનનો ભંડાર સમાન શહેર ગણાવ્યું હતું. તમિલનાડુના ખેડૂતો વધુ અનાજ ઉત્પન્ન કરવા સાથે સિંચાઈનાં સાધનોનો યોગ્ય ઉપયોગ કરતાં હોવાનું જણાવ્યું હતું.
તેમણે આઇઆઇટી મદ્રાસના ડિસ્કવરી કેમ્પસનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત ગ્રૈંડ અનીકટ નહર પ્રણાલીનો વિસ્તાર, નવીનીકરણ અને આધુનિકીકરણની શરૂઆત કરાવી હતી. આ યોજનાથી નહેરોની જળવહન ક્ષમતામાં વધારો થશે. સાથે ચેન્નઈ બીચ અને અટ્ટિપટ્ટુ વચ્ચે ચોથી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
કેરળમાં વડાપ્રધાને પેટ્રોલિયમ કોર્પોરેશન લી.નો પીડીપીપી પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો હતો સાથે બંદરે આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ સાગરિકાનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે રોરો જહાજ દેશને સમર્પિત કર્યું હતું.