રાજયની 2022 વિધાનસભાની 182 બેઠકો પૈકીની 89 બેઠકો પર પ્રથમ તબકકામાં 1 ડિસેમ્બરે મતદાન થનાર છે. આ મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહયા છે. તેમાં પણ સતાધારી પક્ષ ભાજપ વધુ એક વખત સતા મેળવવા માટે અને ગત વિધાનસભા કરતાં વધુ બેઠકો માટે અનેક સિટીંગ ધારાસભ્યોના સ્થાને નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. આ પ્રથત તબકકામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત બેઠકો ઉપર મતદાન થનાર છે. આ સાત બેઠકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે વિજય સંકલ્પ સંમેલન દ્વારા જાહેર સભા સંબોધશે.
2022 વિધાનસભા ચૂંટણી માટે રાજયની 182 બેઠકો પૈકીની 89 બેઠકોમાં 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. પ્રથમ તબકકાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર મંગળવારે સાંજે બંધ થઇ જશે. તે પહેલાં રાજકીય પક્ષો તેમના ઉમેદવારને જીતાડવા માટે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહયા તેમજ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા મતદારોને પોતાના તરફ આકર્ષવાને તરફેણમાં મતદાન કરવા મહેનત કરી રહયા છે. આ પ્રથમ તબકકાની ચૂંટણીમાં જામનગર શહેર અને જિલ્લાની પાંચ તથા દ્ારકા જિલ્લાની બે મળી હાલારની 7 બેઠકો માટે પણ 1 લી ડિસેમ્બરે મતદાન થશે. 12 જામનગર સંસદિય વિસ્તારની આ સાતેય બેઠકો માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જામનગર નજીક આવેલા ગોરધનપર પાસેના ઇન્ટ્રાના મેદાન ખાતે સાંજના 4 વાગ્યે વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવશે. આ જાહેર સભામાં પ0 હજારથી વધુની મેદૃની એકઠી થવાની શકયતા છે. શહેરથી બાર કિલોમીટર દૂર આવેલાં ઇન્ટ્રાના મેદાન કે જયાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનું રિસર્ચ સેન્ટર બનવાનું છે. ત્યાં વડાપ્રધાનની જાહેરસભાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાલમાં જ જામનગર આવ્યા હતા અને શહેર અધ્યક્ષ તથા જિલ્લા અધ્યક્ષ સાથે બેઠક યોજી અને જામનગરની પાંચ તથા દ્વારકાની બે મળી સાતેય બેઠકના ઉમેદવારોના પ્રચાર માટે આ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સાતેય બેઠકો માટે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગરની ત્રણેય બેઠકોના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા આ જાહેરસભામાં જંગી મેદની ઉમટી પડે તે આયોજન માટે જહેમત ઉઠાવી રહયા છે.
જામનગર અને દ્વારકાની સાત બેઠકો માટે વડાપ્રધાન મોદીની જાહેરસભા માટે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા દ્વારા વડાપ્રધાનની જાહેરસભા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને શહેર જિલ્લાના દરેક મંડળોના હોદેદારો અને વોર્ડ પ્રમુખો તથા કોર્પોરેટર અને હોદેદારો સાથે બેઠક યોજી વધુને વધુ લોકો વડાપ્રધાનની સભામાં ઉપસ્થિત રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન 28 તારીખે સોમવારે 4 વાગ્યે એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યાંથી કાર દ્વારા વિજય સંકલ્પ સંમેલન જાહેરસભા સ્થળે પ્રસ્થાન કરશે. ત્યારબાદ જામનગરની જાહેરસભા પૂર્ણ થયા પછી રાજકોટમાં જાહેરસભા માટે રવાના થશે. વડાપ્રધાનના આગમન પૂર્વે તેની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સ્પેશિયલ પ્રોટેકશન ગુ્રપ એસપીજીની ટીમ દ્વારા જાહેરસભા સ્થળનું નિરીક્ષણ અને ચકાસણી હથ ધરવામાં આવી હતી. સભા સ્થળનું મેટલ ડિટેકટર, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ ડોગ સ્કવોર્ડ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાની 76 કાલાવડના મેઘજીભાઇ ચાવડા, 77 ગ્રામ્યના રાઘવજીભાઇ પટેલ, 78 ઉત્તરના રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા, 79 દક્ષિણના દિવ્યેશ રણછોડભાઇ અકબરી, 80 જામજોધપુરના ચીમનભાઇ સાપરિયા, 81 ખંભાળિયાના મુળુભાઇ બેરા અને 82 દ્વારકાના પબુભા માણેક આ સાત ઉમેદવારોના પ્રચાર માટે તથા સાતેય બેઠક ઉપર ભાજપને ઝળહળતો વિજય અપાવવા વડાપ્રધાન સોમવારે જામનગર નજીક વિજય સંકલ્પ સંમેલન દ્વારા જાહેર સભા સંબોધશે.