વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાધીની ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગપતિઓની સરખામણી કોરોના વેરિઅન્ટ સાથે કરવી બિલકુલ યોગ્ય નથી. દેશના ઉદ્યોગપતિઓ શું કોરોના વેરિઅન્ટ છે? શું તેમના માટે આવી ભાષાનો પ્રયોગ થવો જોઈએ? તેમણે મેક ઈન ઈન્ડિયાના કોંગ્રેસના વલણ અંગે પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં દેશના ટોચના બે ઉદ્યોગપતિઓની તુલના કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે કરી હતી તેનો જવાબ મોદીએ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ અંગેના આભાર પ્રસ્તાવમાં નિવેદન કર્યું હતું. એ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના અગાઉના ઉદ્યોગપતિઓના નિવેદનની આકરી ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે દેશના ઉદ્યોગપતિઓને કોરોના વેરિઅન્ટ કહેવા બિલકુલ યોગ્ય નથી. શું આપણા દેશના ઉદ્યોગપતિઓ કોરોના વેરિઅન્ટ છે? તેમના માટે આવી ભાષા પ્રયોજવી યોગ્ય છે?
પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. 100 મિનિટ સુધીના તેમના ભાષણમાં તેમણે વિવિધ મુદ્દે વિપક્ષો ઉપર આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે ભાષણ દરમિયાન વિષ્ણુ પુરાણના શ્લોકનું પઠન કર્યું હતું અને તમિલ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની એક કવિતાના અંશો પણ કહ્યા હતા. તેમણે રાષ્ટ્રીય એકતા ઉપર ભાર મૂકીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ દેશમાં ટૂકડે ટૂકડે ગેંગની લીડર બની ગઈ છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોંગ્રેસના ડીએનએમાં છે.મોદીએ તેમના મેરેથોન ભાષણમાં ઘણી વખત નેહરૂનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીના લોકસભામાં અપાયેલા ઉદ્યોગપતિઓ અંગેના નિવેદનનો વળતો જવાબ આપતા કટાક્ષ કર્યો હતો કે એક સમયે 1960થી 1980 સુધીની કોંગ્રેસની સરકારોને ટાટા-બિરલાની સરકારો કહેવાતી હતી. હવે કોંગ્રેસ પણ એ જ ભાષાનો પ્રયોગ લોકસભામાં કરી રહી છે.
કોંગ્રેસના નિવેદનોથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે અને પાર્ટી આગામી 100 વર્ષ સુધી સત્તામાં આવશે નહીં. મોદીએ મજૂરો, મેક ઈન ઈન્ડિયા, ખેડૂતો જેવા મુદ્દે કોંગ્રેસ ઉપર જૂઠાણા ચલાવવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી રાજકારણ કરે છે. મોંઘવારીના મુદ્દે પણ એવા જ જૂઠાણાં ચલાવવામાં આવી રહ્યા છે.ચોખા અને ઘઉંમાં માત્ર એક રૂપિયાનો વધારો થયો તો પણ કોંગ્રેસ એવો અપપ્રચાર કરે છે કે મોંઘવારી સહન થતી નથી, એક સમયે 2012માં કોંગ્રેસના નાણામંત્રી જ કહેતા હતા કે પાણીની બોટલમાં 15 રૂપિયા અને આઈસક્રીમમાં 20 રૂપિયા ખર્ચવાનો લોકોને કોઈ જ વાંધો નથી. કોંગ્રેસ સત્તા પરથી ઉતરી કે તરત જ તેમને મોંઘવારી વધેલી જણાવા લાગી. મેક ઈન ઈન્ડિયાનો કોંગ્રેસનો વિરોધ ઘણાં બધા કારણોથી પ્રેરિત છે. એક તો મેક ઈન ઈન્ડિયાના કારણે ભ્રષ્ટાચાર જ ખતમ થઈ ગયો છે. આનો વિરોધ કરીને કોંગ્રેસ દેશના યુવાનોનું ભવિષ્ય ધૂંધળું કરે છે. મોદીએ કોંગ્રેસ ઉપર ટીકા કરતા કહ્યું હતું કે જે લોકો ઈતિહાસમાંથી બોધપાઠ લેતા નથી તે ઈતિહાસમાં ખોવાઈ જાય છે. તેમણે કહ્યું હતું કે નેહરૂએ ગરીબી સામે હાથ ઊંચા કરી દીધા હતા. અમે ગરીબોની સાથે છીએ.