વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 ના વિજેતાઓને નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે મળ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના ચહેરાની ચમકનું રહસ્ય પણ જણાવ્યું. શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે, પીએમે તેમની પ્રશંસા કરી અને કહ્યું કે યુવા દિમાગને આકાર આપવા માટેનું તેમનું સમર્પણ અને શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે તેમની અતૂટ પ્રતિબદ્ઘતા ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમના વર્ગખંડોમાં, તેઓ ભારતના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય લખી રહ્યા છે. મીટિંગ દરમિયાન એક શિક્ષકે પીએમ મોદીને કહ્યું, ’જયારે હું તમને જોઉં છું, ત્યારે તમે આટલા મોટા દેશના તમામ કામ આસાનીથી કરી રહ્યા છો.’ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું નામ આટલી ઉંચાઈ પર છે. તમે દરરોજ સતત પ્રયત્નો કરી રહ્યા છો, તેમ છતાં તમારો ચહેરો તેજસ્વી અને ખુશખુશાલ છે. તમે અત્યારે જે રીતે અમારું મનોરંજન કરી રહ્યા છો, અમને લાગે છે કે અમારા વર્ગના બાળકોએ પણ અમારી તરફ એ જ રીતે જોવું જોઈએ જે રીતે અમે તમને જોઈ રહ્યા છીએ. શિક્ષકના આ નિવેદન પર ત્યાં હાજર તમામ લોકો અને વડાપ્રધાન મોદી હસી પડ્યા અને તાળીઓનો ગડગડાટ ગુંજવા લાગ્યો. પીએમ મોદીએ શિક્ષકની વાતનો જવાબ આપ્યો. પીએમ મોદીએ કહ્યું, ’સારૃં, તમે લોકો શાળામાં ભણાવો છો – મારી ચહેરાની રોનક મારૂં કામ છે જનતાની ખુશી છે, તો મારી દીપ્તિ 140 કરોડ લોકોની તેજ છે જે પ્રતિબિંબિત થાય છે.’ પીએમ મોદીએ તેમના ચહેરા પર ઈશારો કરતા કહ્યું. આ જ કારણે મારો ચહેરો તમને પુલકીત લાગે છે.