જામનગરને વિશ્વસ્તરે વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે. ઇઝરાયેલના નેવાટીમમાં જામસાહેબ દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું સ્થાપન કરીને તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નિરાધાર પોલિશ બાળકોને શરણ આપીને તેમના જીવની રક્ષા કરી હતી. આ બાળકોમાં કેટલાંક યહુદીઓ પણ હતાં.
ભારતીય યહુદી હેરિટેજ સેન્ટર અને કોચિની યહુદી હેરિટેજ સેન્ટર દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જામસાહેબ દિગ્વિજયસિંહજીની અનુકરણીય કરૂણા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સોમવારે સાંજે યોજાયેલા એક સમારોહમાં પોલિશ બાળકો સાથેની જામસાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઈઝરાયેલમાં ભારતના રાજદૂત જે. પી. સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આ તકે “સારા મહારાજાની કરૂણા” વિષે વાત કરી તેમને આશાના કિરણ તરીકે વર્ણવ્યા હતા. તેમણે આ તકે યાદ અપાવ્યું હતું કે, માનવતા તમામ સીમાઓથી ઉપર છે. ઇઝરાયેલસ્થિત પોલેન્ડના રાજદૂત મેસીઝ હુનિયાએ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પણ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, 2024માં પોલેન્ડ સરકારે જામસાહેબને ગુડ મહારાજા તરીકે યાદ કરી તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ તેમને કમાન્ડર ક્રોસથી નવાજવામાં આવ્યા હતાં. પોલેન્ડમાં આજે પણ જામસાહેબના નામે એક સ્ક્વેર અને એક સ્મારક છે. તેમજ એક ટ્રામનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઇઝરાયેલના નેવાટીમ શહેરમાં સ્થાપિત કરવામાં આવેલું જામસાહેબનું આ શિલ્પ જેરી ક્લિગંર દ્વારા દાન કરવામાં આવ્યું છે. તેના શિલ્પકાર સેમ ફિલિપ્સ છે. આમ, પોલેન્ડ બાદ ઈઝરાયેલમાં પણ જામસાહેબને અદકેરૂં સન્માન આપવામાં આવ્યું છે. જે જામનગરના રહેવાસીઓ માટે ગૌરવની બાબત છે.


