આજે સતત નવમા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ધીમા ઝેર જેવો ઈંધણનો ભાવ વધારો ઝીંકી દેતા દેશનાં કોઈ શહેરમાં ઈતિહાસમાં પહેલીવાર નોર્મલ (સાધારણ, પ્રિમિયમ નહીં) પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની ડરામણી મનોવૈજ્ઞાનિક સપાટીને વળોટી ગયો છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આજે 100 રૂપિયા પ્રતિ લીટરની પાર થઈ ગયો હતો. જે અત્યાર સુધીનું સાધારણ પેટ્રોલનાં ભાવનું ઉચ્ચતમ સ્તર છે.
ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 2પ-2પ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. સતત નવ દિવસથી જારી રહેલા આવા નાના-નાના ભાવવધારાથી પેટ્રોલનાં ભાવમાં કુલ મળીને 2.34 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં 2.પ7 રૂપિયાનો ઈજાફો થઈ ગયો છે. જો કે ઈંધણનાં પરિવહનનો ખર્ચ અને સ્થાનિક વેરા જુદાજુદા હોવાનાં કારણે દેશનાં વિભિન્ન ભાગોમાં પેટ્રોલનાં ભાવ અલગ-અલગ રહે છે.
દેશમાં અત્યારે ઈંધણ ઉપર સૌથી વધુ વેટ વસૂલતું રાજ્ય રાજસ્થાન છે અને ત્યાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશમાં સર્વાધિક નોંધાયો છે. રાજ્યનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 100.13 રૂપિયા અને ડીઝલનો ભાવ ઉછળીને 92.13 રૂપિયાની દઝાડતી સપાટીએ આવી ગયો હતો. અહીં બ્રાન્ડેડ પેટ્રોલનાં ભાવ 102.91 અને ડીઝલનો ભાવ 9પ.79 રૂપિયા થયો છે.
રસપ્રદ બાબત એ પણ છે કે શ્રીગંગાનગરથી માત્ર 9 કિ.મી.નાં અંતરે પંજાબમાં પેટ્રોલ 9.18 અને ડીઝલ 10.08 રૂપિયા જેટલું સસ્તુ છે. કારણે કે પંજાબમાં પેટ્રોલ ઉપર 2પ ટકા અને ડીઝલ ઉપર 1પ.94 રૂપિયા વેટ લાગે છે. જ્યારે રાજસ્થાનમાં તે અનુક્રમે 38 ટકા અને 28 ટકા જેટલા ઉંચા દરે વસૂલવામાં આવે છે.
ચાલુ માસમાં 14 દિવસનાં ગાળામાં જ 11 વખત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ડામ આવ્યો છે. જ્યારે આ પહેલા જાન્યુઆરીમાં 10 વખત ભાવમાં વધારો થયો હતો. આમ આ વર્ષમાં જ અત્યાર સુધીમાં 21 વખત આમઆદમી ઉપર બોજ વધારવામાં આવ્યો છે. આ 21 વખતનાં ભાવવધારામાં પેટ્રોલ કુલ મળીને પ.83 રૂપિયા અને ડીઝલ 6.18 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
પેટ્રોલ-ડીઝલનાં ભાવની બુમરાણ માત્ર વાહનચાલકોની જ નથી. પેટ્રોલપંચ સંચાલકો પણ આનાં હિસાબે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. તેમની ચિંતાનું કારણ એ છે કે જો પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાની સપાટીએ પહોંચી જશે તો પંપ બંધ થઈ જશે. દેશનાં ઘણાં ભાગોમાં પેટ્રોલપંપમાં માત્ર બે અંકનાં ભાવ દેખાડવાની જ વ્યવસ્થા છે. એટલે ભાવ 99.99 રૂપિયા રહે ત્યાં સુધી મશીનમાં કોઈ સમસ્યા નથી આવતી પણ ભાવ તેનાથી વધી જાય તો તે કામ કરતું અટકી જઈ શકે છે.
પહેલીવાર દેશમાં સાદા પેટ્રોલનાં ભાવની સદીથી આમજનતા દાઝી ગઈ છે’ ત્યારે આજે આ વિશે પ્રત્યક્ષ ઉલ્લેખ વિના પહેલીવાર વડાપ્રધાન મોદીએ નિવેદન કર્યુ છે અને વર્તમાન સ્થિતિ માટે પૂર્વવર્તી સરકારોને જવાબદાર ઠરાવી હતી. મોદીએ કહ્યું હતું કે, જો અગાઉની સરકારોએ આયાતની નિર્ભરતા ઉપર ધ્યાન આપ્યું હોત તો આજે મધ્યમવર્ગને આટલી કઠણાઈ પડતી ન હોત. આ સાથે જ આયાત ઘટાડવા માટે દેશની રણનીતિ જાહેર કરતાં મોદીએ કહ્યું હતું કે, શેરડીમાંથી નીકળતું ઈથેનોલ ઈંધણની આયાત ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે અને ખેડૂતોને પણ આવકનો વધુ એક વિકલ્પ મળશે.’ મોદીએ કહ્યું હતું કે, સરકાર ઉર્જાનાં અક્ષય સ્રોતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને 2030 સુધીમાં દેશમાં જરૂરીયાતનાં 40 ટકા જેટલી ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે. પેટ્રોલ અને ડિઝલના આસમાનને આંબતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર પણ ઈંધણનો અન્ય વિકલ્પ શોધવા લાગી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે ઈંધણના વધતા ભાવને ધ્યાને લઈ લિથિયમ ઓયન અને હાઈડ્રોજન સેલ જેવા વૈકલ્પિક ઈંધણ અંગે સંભાવનાઓ તપાસવામાં આવી રહી છે. ગડકરીએ કહ્યુ કે મારી સલાહ છે કે દેશમાં વૈકલ્પિક ઈંધણ અપનાવવાનો સમય આવી ગયો છે.
પેટ્રોલના ભાવવધારા માટે ‘પાછલી’ સરકારો જવાબદાર : PM
ભારતમાં આ પણ ‘મુમકીન’ બન્યું, સાદું પેટ્રોલ રૂા.સો ને પાર બન્યું !!