દ્વારકા જિલ્લામાં તા. 16 ના રોજ યોજાનારી સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકા તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપર મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે શુક્રવારે ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે વિગતો આપી હતી.

આ ચૂંટણીઓમાં નોંધાયેલ મતદારો વિશે વિગતો આપતા કલેક્ટર તન્નાએ જણાવ્યું હતું કે, સલાયા નગરપાલિકા વિસ્તાર માટે 16,412 પુરુષ અને 13,858 સ્ત્રી મળીને કુલ 27,270, ભાણવડ નગરપાલિકા વિસ્તાર માટે 6,124 પુરુષ અને 6,208 સ્ત્રી મળી કુલ 12,332 મતદારો તથા દ્વારકા નગરપાલિકા વિસ્તાર માટે 11,962 પુરુષ અને 11,395 સ્ત્રી મળીને કુલ 23,357 મતદારો ભરાણા (તા. ખંભાળિયા) તાલુકા પંચાયત વિસ્તાર માટે 3,245 પુરુષ અને 3,272 સ્ત્રી મળી કુલ 6,517 મતદારો, જુવાનપર (તા. કલ્યાણપુર) તાલુકા પંચાયત વિસ્તાર માટે 3,266 પુરુષ અને 2,907 સ્ત્રી મળી કુલ 6,173 મતદારો નોંધાયેલા છે.
મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, સલાયા નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા 30, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 13 રહેશે. ભાણવડ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા 17, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 17 રહેશે. દ્વારકા નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા 25, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 8 રહેશે. ભરાણા તાલુકા પંચાયત માટે કુલ મતદાન મથકોની સંખ્યા 8, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 5 રહેશે. જુવાનપર તાલુકા પંચાયત માટે કુલ મતદાન મથકોની સંખ્યા 7 રહેશે.
ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ તૈયારીની વિગતો આપતા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે, નગરપાલિકા અને તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો ખાતે અંદાજિત 400 કરતા વધારે પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. ઉપરાંત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ભાગરૂપે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.
ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી આગામી મંગળવાર તા. 18 ના રોજ સલાયા નગરપાલિકા માટે ખંભાળિયામાં પ્રાંત કચેરી ખાતે, ભાણવડ નગરપાલિકા માટે ભાણવડમાં આવેલી સરકારી વિનયન કોલેજ, દ્વારકા નગરપાલિકા માટે એન.ડી.એચ. હાઇસ્કુલ, તેમજ ભરાણા તાલુકા પંચાયત માટે ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરી અને જુવાનપુર બેઠકની ગણતરી કલ્યાણપુરમાં મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે.