વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આગામી સોમવાર તા. 26 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5251 માં જન્મોત્સવને મનાવવા કૃષ્ણ ભક્તો સાથે તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહયો છે.
જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા આવે છે. આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામ દ્વારકામાં આવે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોકકસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.
જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું આ જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમિની ગૃપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે. રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. 26 મી એ રાત્રે 8 વાગ્યાથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ નામના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક તથા હેમંતભાઈ ખવા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
જગતમંદિરને સાંકળતા મુખ્ય રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના અન્ય રસ્તાઓને પણ યાત્રિકોની સુવિધા માટે રીપેરીંગ કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત નગરપાલીકા દ્વારા શહેરમાં બિમારી ફેલાવતા માખી-મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા દવાઓનો છંટકાવ કરાઈ રહયો છે. નગરપાલીકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ – રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો, લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરાઈ રહયો છે. યાત્રિકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયું છે.
યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઠેર-ઠેર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી, બેરીકેટીંગ કરીને ટ્રાફીક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્તતાપૂર્ણ કામગીરી દાખવી રહ્યા છે.
જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા માટે મુખ્ય અધિકારીઓના માર્ગદર્શન મુજબ આશરે 1200 જેટલાં જવાનો ફરજ પર રહેનાર છે. એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્યાપક વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ ગેસ્ટ હાઉસમાં બુકિંગ ફૂલ જોવા મળી રહયું છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં જેની અસર ભાવિકોના ધસારામાં પણ જોવા મળશે અને હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાસ સતત વધતો જશે. તેવો આશાવાદ હોટલ માલીકો તથા વેપારી વર્ગ રાખી રહ્યો છે.
દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જયોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ તથા સંગમ નારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે તેવું જણાઈ રહ્યું છે.