કોરોનાની ત્રીજી લહેર હવે વિદાયભણી છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર તરફથી માસ્કને તિલાંજલી આપવામાં આવે તેવા સંકેતો સાંપડયા છે. છેલ્લા બે વર્ષથી માસ્ક પહેરીને ફરતાં લોકોને હવે માસ્કમાંથી મુકિત આપવાને લઇને ચર્ચાએ જોર પકડયું છે. બે-બે વર્ષથી માસ્કથી ત્રાસેલાં લોકો અનેક જગ્યાએ માસ્કનો વિરોધ પણ કરી રહયા છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકાના દેશોમાં માસ્કથી કંટાળેલા લોકોને માસ્કમાંથી મુકિત આપવામાં આવી રહી છે. અનેક દેશોએ માસ્કને મરજિયાત બનાવી દીધા છે. ત્યારે ભારતના ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારના ટોચના નેતાઓ આ અંગે ગંભીરતાથી વિચારતા હોય તેવું જણાઇ રહ્યું છે.
કોવિડ-19 સામે વેક્સિનેશન, નાગરિકોમાં વ્યાપક પ્રમાણમાં એન્ટિબોડી ડેવલપ થવા તેમજ થર્ડ વેવમાં વાઈરસની ઘાતકતા ઘટતા ગુજરાત સરકાર આસ્તે આસ્તે માસ્કને ફરજીયાતથી મરજીયાત તરફ લઈ જવા આગળ વધી રહી છે. આ મુદ્દે આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ શકે છે તેવા સંકેતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે.
ગુજરાતમાં તબક્કાવાર માસ્ક પહેરવુ મરજીયાત થશે! ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક ફરજીયાત છે. નિયમનો ભંગ કરનાર સામે એક હજારનો દંડ વસૂલવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો. આ વિષયે હાઈકોર્ટ સમક્ષ ફરીથી ફેરવિચારણા અરજી કરવાનો મૂડ સરકારે બનાવ્યો છે. વિશ્વના અનેક દેશોમાં જ્યાં ચેપનું પ્રમાણ નહિવત છે, નાગરિકો વેક્સિનેટેડ છે અને મોટાપાયે હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે ત્યાં માસ્કને મરજીયાત કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સીટીમાં એક કાર્યક્રમમાં અનઔપચારિક રીતે જણાવ્યું હતું કે, નાગરિકો હવે માસ્કથી કંટાળ્યા છે. એ જવું જોઇએ, જેમ આ મહામારીથી સૌ બહાર નિકળ્યાં એમ માસ્કમાંથી પણ નિકળી જઇશું. આ રીતે તેમણે હકારાત્મક સંકેતો આપ્યા હતા. આથી ઉનાળા પહેલાં ગુજરાતમાં તબકકાવાર માસ્ક મરજિયાત થઇ શકે છે. મહારાષ્ટ્રમાં અનલોકની તૈયારીઓ ચાલી રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ અનલોક કરવાની તૈયારી રાજય સરકાર કરી રહી છે. તો બીજી તરફ કોલ્હાપુરમાં રાજયના આરોગ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે રાજયને વહેલામાં વહેલી તકે માસ્ક-મુક્ત બનાવવા માટે અપનાવવામાં આવતા પગલાં અંગે કેન્દ્ર અને રાજય કોવિડ ટાસ્ક ફોર્સ પાસેથી માહિતી માંગી છે, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગુરૂવારે જણાવ્યું હતું. કોલ્હાપુરમાં બોલતા, ટોપેએ કહ્યું, યુકે જેવા કેટલાક દેશોએ આખરે તેમના નાગરિકોને માસ્ક-ફ્રી હરવા ફરવાની છૂટ આપી છે. અમે કેન્દ્ર અને રાજય ટાસ્ક ફોર્સને આ દેશોએ માસ્ક ફ્રી થવાની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી તેની માહિતી માટે વિનંતી કરી છે. અમે પ્રતિબંધો હળવા કરી રહ્યા છીએ પરંતુ માસ્કિંગ પ્રોટોકોલ થોડો સમય ચાલુ રાખો.’