જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આજે સાંજે ભાસ્કર શુક્લનો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ તથા સાંઇરામ દવેના લોકડાયરાનો ભવ્ય કાર્યક્રમ તથા આવતીકાલે રવિવારે બપોરે 3:30 કલાકે શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ તેમજ સમાજની અલ્ટ્રામોર્ડન એપ્લીકેશનનું લોન્ચીંગ તથા સાંજે 4 વાગ્યે જ્ઞાતિ સમુહ ભોજનના કાર્યક્રમની તડામાર તૈયારીઓ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે. આજે સવારથી આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જામનગરના રણજીતનગર ખાતે આવેલા લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આવતીકાલે રવિવારે સાંજે ચાર વાગ્યે જ્ઞાતિ સમુહભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે સવા અગિયાર વિઘા જમીન પર ઓછામાં ઓછા 55 થી 60 હજાર જ્ઞાતિજનો સમુહ ભોજનનો આનંદ માણશે. આ માટે ભવ્ય અને વિશાળ મંડપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેવાના હોય, છેલ્લા 36 કલાકથી ભોજન સામગ્રીઓના નિર્માણ માટે રસોડા વિભાગમાં અંદાજે 110થી વધુ કારીગરો અને સ્વયંસેવકો ભોજન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
આ સમારોહમાં અડધા લાખથી વધુ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેનાર હોય તમામ જ્ઞાતિજનોના વાહનોનો વ્યવસ્થિત રીતે સમાવેશ થઇ શકે અને આજુબાજુના વિસ્તારોને ટ્રાફીકમાં કોઇપણ પ્રકારની અડચણ ન સર્જાય તે ધ્યાનમાં રાખીને પટેલ સમાજની બાજુમાં આવેલા પ્રણામી સંપ્રદાયના વિશાળ મેદાનમાં ટુ-વ્હીલર પાર્કિંગ માટેની વ્યવસ્થા શુક્રવારે જ ગોઠવી લેવામાં આવી હતી. આ ઉપરાંત આ સમારોહમાં સેંકડો ફોર વ્હીલર પણ આવવાના હોય, આ તમામ વાહનોના સમાવેશ માટે નજીકમાં આવેલી પ્રણામી હાઇસ્કૂલ પાસેની પ્રણામી વાડીની વિશાળ જગ્યામાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી લેઉવા પટેલ સેવા સમાજની વિવિધ 23 સમિતિઓના આગેવાનો, પ્રભારી, ક્ધવીનરો અને સહ-ક્ધવીનરોના નેજા હેઠળ 400થી 500 કાર્યકરો અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
વ્યવસ્થા સમિતિઓમાં ફાળા સમિતિ, સુચના માહિતી સમિતિ, ભોજન-રસોડા સમિતિ, ભોજન કાઉન્ટર સમિતિ, પાણી-વ્યવસ્થા સમિતિ, છાસ વ્યવસ્થા સમિતિ, લાઇટીંગ સમિતિ, વિડીયો રેકોર્ડીંગ સમિતિ, મીડીયા કેબલ જાહેરાત સમિતિ, આરોગ્ય સમિતિ, સુશોભન સમિતિ, વાસણ સમિતિ, સ્વાગત સમિતિ, રીઝર્વ સમિતિ, પાર્કિંગ સમિતિ, સુરક્ષા સમિતિ, સિક્યુરીટી સમિતિ, ગ્રાઉન્ડ વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, સ્ટેજ કાર્યક્રમ સમિતિ અને ગ્રામ્ય સમિતિનો સમાવેશ થાય છે.


