જામનગરમાં અંદાજે રૂા. 30 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો દિગ્જામ ઓવરબ્રિજ ઉપયોગ માટે તૈયાર છે. આ ઓવરબ્રિજને ટૂંકસમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ જામ્યુકોના તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર નજીક નિર્માણ પામેલ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ, અન્નપૂર્ણા ચોકડીથી હાપા યાર્ડ સુધીનો ફોરલેન માર્ગ સહિતના પ્રોજેકટનું લોકાર્પણ કરવા માટે જામ્યુકોના તંત્ર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય પાસે મુખ્યમંત્રીની તારીખો માગવામાં આવી છે.
સંભવત: 30 જૂન સુધીમાં આ તમામ વિકાસ પ્રોજેકટનું એકસાથે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તે પ્રકારના પ્રયાસો જામ્યુકોના તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ અથવા તો અંડરબ્રિજ બનાવીને ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા રાજ્ય સરકારની નેમ છે. આ માટે બજેટમાં પણ જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું છે. રેલવેના હિસ્સાનું થોડુ કામ બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. તેમ સીટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું હતું.