ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પાસે પ્રચાર કરવાનો સમય ખૂબ જ ઓછો છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી ટૂંકા ગાળામાં 150 બેઠક પર પ્રચાર કરે એવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. ટિકિટ જાહેર થતાં જ બંને પક્ષમાં ભડકો થયો છે.
ત્યારે અલ્પેશ ઠાકોરને ક્યાં ઊભા રાખવા એ અંગે ભાજપમાં 6 બેઠક પર કોકડું ગૂંચવાયું છે. એવી જ રીતે કોંગ્રેસમાં પણ 15 બેઠક પર ઉમેદવારો જાહેર કરવા બાબતે મૂંઝવણ ઊભી થઈ છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે, એવું ભાજપનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આ રેલીઓની તારીખોને ઙખઘમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય એવી આશા છે. તેમના કાર્યક્રમોને આજસુધીમાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના હતા, જોકે અત્યારે ઉમેદવારોનાં નામ જાહેર કરાયા બાદ કેટલીક બેઠકો પર વિવાદ ઊભો થયો છે અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે એવા સમયે ખડગેનો ગુજરાત કાર્યક્રમ હાલપૂરતો મોકૂફ રખાયો છે, હવે ખડગેના બદલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરશે. આ ઢંઢેરોમાં અગાઉ રાહુલ ગાંધીએ પાંચમી સપ્ટેમ્બરે અમદાવાદમાં જે વાયદા કર્યા હતા એ જાહેર કરાશે, જેમાં ખેડૂતોનું દેવું માફ, ગેસ-સિલિન્ડર રૂ.500, સામાન્ય લોકો માટે 300 યુનિટ વીજળી મફત, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ જેવી બાબતો સામેલ હશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં છે. આ યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં ફરી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણીથી દૂર રહેલા કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓને લઈને સવાલો ઊભા થયા છે. ત્યાં નવરાત્રિ દરમિયાન ગુજરાત આવનારાં પ્રિયંકા ગાંધી હવે છેલ્લી ઘડીએ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં 25 નવેમ્બરે રોડ શો કરશે. એ ઉપરાંત પ્રિયંકા ગાંધી સોમનાથમાં દર્શન કરીને પ્રચારમાં ઝંપલાવશે.