જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે રવિવારથી નવરાત્રિ તહેવારનો પ્રારંભ થઇ રહ્યો છે અને શહેર તથા જિલ્લામાં 250થી વધુ નાની-મોટી ગરબીઓના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે નવ દિવસ ચાલનારા આ તહેવાર દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઉપરાંત આજે શનિવારે અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં મેચ રમાનાર હોય. જેથી રાજ્યમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટેની તકેદારી સરકાર તથા પોલીસ વિભાગે રાખી છે. ઉપરાંત રાજ્યભરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વાહનોના ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવરાત્રિ તહેવારના પ્રારંભ પૂર્વે અમદાવાદમાં રમાનારી હાઇવોલ્ટેજ ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત પીઆઇ એ.આર. ચૌધરી અને સ્ટાફ દ્વારા સીટી-સી ડિવિઝનના તમામ વિસ્તારોમાં બાઇક તથા ફોર વ્હીલ સહિતના વાહનોના ડોક્યુમેન્ટ અને કાળાકાચ સહિતની ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત પોલીસે શહેરી વિસ્તારોમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરુપે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.