જામનગરના એસ ટી બસ સ્ટેન્ડ છેલ્લાં ઘણાં સમયથી ખખડધજ થયું હોય આ ઈમારતના સ્થાને અત્યંત આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ થશે. જેનું ખાતમુહૂર્ત પણ થઇ ચૂકયું છે. ત્યારે જામનગરના પ્રદર્શનમેદાનમાં એસ ટી બસ સ્ટેન્ડનું સ્થળાંતર થશે. જે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એસટી બસ સ્ટેશન માટે પ્રદર્શન મેદાનની જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે.
જિલ્લા વહિવટી તંત્ર હસ્તકના પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો ઉભો કરવા જિલ્લા કલેક્ટરએ 10 હજાર ચોરસ મીટર જગ્યા રૂ.1ના ટોકનથી ફાળવી આપવા આદેશ કર્યો છે. સમગ્ર રાજ્યની માફક જામનગરમાં પણ આધુનિક બસપોર્ટ માટે રાજ્ય સરકારે પ્રોજેક્ટને મંજુરી આપીને ગ્રાન્ટની ફાળવણી પણ કરી દીધી છે. આરંભે આ પ્રોજેક્ટ 13 કરોડ રૂપિયાનો ગણાયા બાદ તા. 14 માર્ચ-2024ના રોજ નવા ડેપોનું ખાતમુહુર્ત પણ કરી દેવામાં આવ્યું હતું. જે દરમિયાન શહેર અને ગામડાના મુસાફરોને હાલાકી ન થાય તેવી જગ્યાની શોધ કરીને એસટીની વિભાગિય કચેરી દ્વારા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રદર્શન મેદાનની માંગણી કરવામાં આવી હતી. જેની મંજૂરીની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન શ્રાવણી મેળા અને ચોમાસાની ઋતુ આવી ચુકી હતી. બાદમાં તા. 30 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરના જગ્યા ફાળવણીના હુકમ સાથે હવે શહેરના આધુનિક બસ પોર્ટનો પ્રોજેક્ટ એક કદમ આગળ વધ્યો છે.