જામનગરમાં ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર (હિન્દુ સાર્વજનિક સ્મશાન)માં છેલ્લા 50 દિવસથી વિજ પુરવઠો ઉપલબ્ધ ન હોવાના કારણે પડી રહેલી હાલાકી અંગે સંસ્થાના પ્રમુખ અને પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
મોક્ષ મંદિરમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લગાવવામાં આવેલી ઇલેકટ્રીક ભઠ્ઠી પાવર સપ્લાયના અભાવે 50 દિવસથી બંધ છે. ત્યારે મૃતદેહોના નિકાલમાં પડી રહેલી હાલાકી અંગે રજૂઆત કરતાં તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડા દરમિયાન 7 થી 8 જેટલા વિજ પોલ પડી જતાં વિજ પુરવઠો બંધ થઇ ગયો છે. આ અંગે સંસ્થાના ટ્રસ્ટીઓ ગિરીશ ગણાત્રા તથા મહેન્દ્ર ખાંટ દ્વારા અવાર-નવાર પીજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં આજ સુધી પાવર સપ્લાય શરુ થયો નથી. પરિણામે અહીં અગ્નિદાહ માટે આવતાં લોકોને ના પાડવી પડે છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આ સ્મશાનની માત્ર 200 મિટરની બાજુમાંથી વિજળીની હેવીલાઇન પસાર થાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે જરુરી મંજૂરી લઇ આ લાઇનમાંથી વિજ પુરવઠો આપવા માગણી કરવામાં આવી છે. જેથી સ્મશાનની ઇલેકટ્રીક ભઠ્ઠી ચાલુ કરી શકાય અને અહીં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે આવતાં લોકોની હાલાકી દૂર કરી શકાય.