જામનગર શહેર અને દ્વારકા ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે પીજીવીસીએલની ચેકિંગ કામગીરી અંતર્ગત 110 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા 37.95 લાખના બીલો ફટકાર્યા હતાં. પીજીવીસીએલ દ્વારા સતત હાથ ધરાયેલી ચેકીંગ કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
મળતી વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ છેલ્લાં ચાર દિવસથી વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં ચેકિંગ કામગીરી અંતર્ગત મંગળવારે જામનગર જિલ્લામાં 68 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા 22.85 લાખના તથા બુધવારે ખંભાળિયા ગામ અને તાલુકાના વિસ્તારોમાં જામનગર શહેરના વિસ્તારોમાં 83 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા રૂા.39.95 લાખના બીલો તેમજ ગુરૂવારે ખંભાળિયા ગ્રામ્ય વિસ્તાર, જામનગર સીટી વિસ્તાર અને જામજોધપુર વિસ્તારમાં જુદી જુદી ત્રણ ટૂકડીઓ દ્વારા ચેકિંગમાં ખંભાળિયામાંથી 22.25 લાખ, જામનગર શહેરમાં 17.17 લાખ અને જામજોધપુર તથા બેડી વિસ્તારમાંથી 63.70 લાખના બીલો ફટકાર્યા હતાં.
જ્યારે શુક્રવારે પીજીવીસીએલની 44 ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જામનગર શહેરના મહારાજા સોસાયટી, અમનચમન, પાણાખાણ, મયુરનગર, 49 દિગ્વીજય પ્લોટ, હનુમાન ટેકરી તથા દ્વારકા જિલ્લાના ભાટીયા અને કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 525 જોડાણો તપાસવામાં આવ્યાં હતાં તે પૈકીના 110 જોડાણોમાંથી ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલની ટીમે 37.95 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ ચાર દિવસ દરમિયાન કુલ 203.87 લાખની ગેરરીતિ ઝડપી લેવામાં આવી હતી.