દેવામાં ડૂબેલુ પાકિસ્તાન ચારે તરફ ઘેરાઈ રહ્યુ છે. એક તરફ તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યુ છે તો બીજી તરફ આંતરિક કંકાસથી પરેશાન છે. દરમિયાન પાકિસ્તાને પોતાને દેવામાંથી બહાર કાઢવા માટે અમેરિકા સ્થિત પોતાના જૂના દૂતાવાસની ઈમારતને વેચવાનો નિર્ણય કર્યો છે.
રિપોર્ટ અનુસાર અમેરિકાના વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાનના જૂના દૂતાવાસની ઈમારતને વેચવા માટે તેને તાત્કાલિક ઓફિસમાંથી મંજૂરી પણ મળી ગઈ છે. પાકિસ્તાનનું આ દૂતાવાસ છેલ્લા 15 દિવસથી ખાલી પડેલુ છે.
પાકિસ્તાનનું આ દૂતાવાસ વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં છે અને તેની કુલ કિંમત 50થી 60 લાખ ડોલર છે. પાકિસ્તાને પોતાની કથળી રહેલી હાલતને જોતા આને વેચવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. દેશમાં મોંઘવારી ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. દેશનું વિદેશી ચલણ ભંડાર પણ 6.7 અરબ ડોલર સુધી નીચે પટકાયો છે. પાકિસ્તાની ચલણનું સતત અવમૂલ્યન થઈ રહ્યુ છે. દરમિયાન તે એક ડોલર 224.63 પાકિસ્તાની રૂપિયામાં ખરીદી રહ્યુ છે.
પાકિસ્તાનની નિકાસ પણ ઘટી રહી છે અને દેશની પાસે એટલુ પૂરતુ વિદેશી ચલણ નથી કે તે આયાત માટે ચૂકવણી કરી શકે. અફઘાનિસ્તાન અને ઈરાન પાસેથી આયાત પણ ઓછી થઈ છે કેમકે પાકિસ્તાનની પાસે આ માટે ચૂકવણી કરવાના રૂપિયા નથી.