10મી મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના હાઈવોલ્ટેજ પ્રચારનો સોમવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. 224 બેઠકો ધરાવતી દક્ષિણના આ રાજ્યમાં જીત હાંસલ કરવી એ વર્તમાન શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ માટે અત્યંત મહત્વનું છે. 13મી મેને બુધવારના રોજ પરિણામો જાહેર કરાશે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાના મહત્વના રાજકીય જંગ તરીકે મનાતી આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે જ્યારે જેડી (એસ) બહુમતિ નહીં મળે તો આ ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવવા ઉત્સુક છે. કર્ણાટક ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે તમામ પક્ષોએ પોતાના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ચૂંટણી અગાઉ જાહેર કરાયેલા કેટલાંક તારણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરીનો જંગ જામે તેવી શક્યતાઓ રજૂ કરાઈ છે. જ્યારે કેટલાંક ઓપિનિયન પોલમાં ભાજપની તુલનાએ કોંગ્રેસનો હાથ ઉપર રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
છેલ્લાં 38 વર્ષથી કર્ણાટકમાં સતત બે વાર કોઈ પણ પાર્ટીની સત્તા બની નથી. દર 5 વર્ષે અહીં સરકાર બદલાય છે. ભાજપ આ પરંપરા તોડવા કમર કસી રહ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ રાજ્યમાં સત્તા મેળવી લોકસભાની ચૂંટણી પહેલાં આત્મવિશ્વાસ વધારવા પ્રયાસ કરી રહ્યો છે. ઓપિનયન પોલમાં પીછેહઠ દર્શવાતા જ ભાજપે રાજ્યમાં ખાસ કરીને અંતિમ તબક્કામાં સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હતી. જેમાં સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ 20થી વધુ રેલીઓ તથા બેંગાલુરૂમાં બે જંગી રોડ શો કરી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કર્યાં હતાં.
કર્ણાટક ચૂંટણીમાં ભાજપના કુલ 128 રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ પ્રચારમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય નેતાઓ માટે 3116 ચૂંટણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીએ કોઈપણ રીતે કોઈ કસર છોડી નથી. તેના નેતાઓએ કર્ણાટકના 311 મઠો અને મંદિરોની મુલાકાત લીધી હતી.
બીજી તરફ કોંગ્રેસે પણ એક સમયે તેના ગઢ ગણાતાં આ રાજ્યમાં સત્તામાં પુન:વાપસી માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે સહિતના દિગ્ગજોને પ્રચાર મેદાનમાં ઉતાર્યાં હતાં. કોંગ્રેસ રાજ્યમાં એન્ટિ -ઈન્કમ્બન્સી ઉપરાંત વધતી મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓનો લાભ મળે તેવી આશા રાખી રહી છે. આ ઉપરાંત ચૂંટણી મેનિફેસ્ટોમાં કરેલાં પાંચ મહત્વના વાયદાથી પણ મતદારોને રીઝવવામાં સફળતા મળશે તેમ માની રહી છે. છેલ્લાં 38 વર્ષથી કર્ણાટકમાં સત્તામાં ક્રમિક પરિવર્તનનો ઈતિહાસ રહ્યો છે. ભાજપ આ ઈતિહાસને બદલી પોતાની સત્તા જાળવી રાખવા જ્યારે કોંગ્રેસ તેની પાસેથી સત્તા છીનવી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા મુખ્ય વિરોધ પક્ષ તરીકેની પોતાની સ્થિતિ મજબૂત બનાવવા મથી રહ્યું છે.
આ ચૂંટણીમાં વિજય મેળવીને કોંગ્રેસ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકર્તાઓના ઉત્સાહમાં નવો જોશ ભરવા માગે છે. રાહુલ અને પ્રિયંકા ઉપરાંત ઘણાં સમયથી ચૂંટણી પ્રચારથી દૂર રહેલાં સોનિયા ગાંધીને પણ પ્રચાર મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસનો વ્યૂહ સ્પષ્ટ દર્શાવે છે કે તે આ વખતે જીત માટે કોઈ કચાશ રાખવા માગતી નથી. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ બનેલાં મલ્લિકાર્જૂન ખડગે માટે પણ આ જંગ પ્રતિષ્ઠાભર્યો છે. કારણકે ખડગે સ્વયં કલબૂર્ગી જિલ્લાના છે. કોંગ્રેસે રાજ્યમાં 150 બેઠકો પર જીતનો લક્ષ્યાંક રાખ્યો છે.
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યત્વે અનામત, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, વિકાસ, જાતીગત રાજકારણ, લઘુમતિને આળપંપાળ, વંશવાદનું રાજકારણ જેવા મુદ્દાઓ પર રાજકીય પક્ષોએ ફોકસ કર્યું હતું. ભાજપના ધારાસભ્ય મદાલ વિરુપાક્ષપ્પા અને તેમના પુત્રની ભ્રષ્ટાચારના કેસમાં તાજેતરમાં થયેલી ધરપકડ બાદ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવી તમામ રેલીઓમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો હતો. તો બીજી બાજુ ભાજપે સોનિયા ગાંધીએ કરેલા સંપ્રભુતા અંગે કરેલા નિવેદનને ઉછાળ્યું હતું.