જામનગરના દરેડ, જગા ગામ, વેરાવડ વાડી વિસ્તાર, ચેલા ગામ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂના દરોડા પાડયા હતાં. જેમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો, આથો અને દેશી દારૂ સહિતનો સામાન કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જગા ગામની સીમમાં ડેમના કાંઠે રહેતાં હિતેન્દ્રસિંહ બચુભા જાડેજા નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.400 ની કિંમતનો 200 લીટર કાચો આથો, રૂા.200 ની કિંમતના સ્ટિલના તગારા, ગેસનો ચુલો સહિત દેશી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂા.2100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઈડ દરમિયાન આરોપી નાશી ગયો હોય. તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજા દરોડામાં જામનગર નજીક ચેલા ગામ પાસે દેશી દારૂની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઈડ દરમિયાન 60 લીટર કાચો આથો, 19 લીટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત રૂા.1800 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી શિવરાજસિંહ ગુમાનસિંહ શેખાવતની અટકાયત કરી હતી. તેમજ જયદિપસિંહ રણજીતસિંહ ભટ્ટી તથા વિમલસિંહ બહાદુરસિંહ કેર અને એક મહિલા સહિત ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુરના વેરાવડ ગામ જાંબુડી વાડી વિસ્તારમાં રહેતો ઈમરાન આમદ રાવકરડાને ત્યાંથી રેઈડ દરમિયાન 40 લીટર દેશી દારૂ તથા 100 લીટર કાચો આથો ઝડપી લીધો હતો. રેઈડ દરમિયાન આરોપી નાશી ગયો હોય. તેની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરમાં દરેડ બસ સ્ટેશન પાસેથી પંચકોશી બી ડીવીઝન પોલીસે ભોલાસિંહ રામનંદનસિંહ પટેલ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.