ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં ગત સાંજે એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન અહીં આવેલા અનિલ સી ફૂડના દંગાની ઓફિસમાં જુગારની મહેફીલ જામી હોવાની ચોક્કસ બાતમી એલસીબી વિભાગના હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ તથા મશ રીભાઈ છૂછરને મળતા આના અનુસંધાને એલસીબીની ટીમે ગતરાત્રે આ સ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાં ઓખાના રહીશ હિતેન્દ્ર નાનજીભાઈ ટીમરા નામના 45 વર્ષના ખારવા શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો એકત્ર કરી, અહીં લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમાડવામાં આવતો હતો. જેની સામે તેના દ્વારા નાલ ઉઘરાવવામાં આવતું હતું.
આથી પોલીસે આ દરોડામાં હિતેન્દ્ર નાનજીભાઈ સાથે મામદ કાસમ થૈયમ, સાકીર સાદિક બુખારી, ઉંમર બાવાભાઈ ગુઢણી, સુલતાન અબુભાઈ ભીખલાણી, હારૂન કાસમ બોલીમ અને ભગા વજશીભાઈ કંડોરીયા નામના સાત શખ્સોની અટકાયત કરી હતી. આ શખ્સો પાસેથી પોલીસે 102,300 રોકડા તથા રૂપિયા 31,500 ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,33,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટીયા અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ, દેવાભાઈ, નરસીભાઈ, ધર્મેન્દ્રસિંહ, હસમુખભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.