દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીર લાખાસર અને સોનારડી ગામના પાદરમાં ચાલતા બે જુગાર સ્થળોએ પોલીસે રેઇડ દરમ્યાન દોઢ લાખના મુદામાલ સાથે મહિલા સહિત આઠ ખેલંદાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર સામે કડક સાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી. પી. માનસેતા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ગતરાત્રે કરવામાં આવેલી કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામ અને સોનારડી ગામના વાડી વિસ્તારમાં જુગાર અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ સાથે ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સ્થળે હનીફ ઉઢા દેથા નામના શખ્સ દ્વારા પોતાની કબજા ભોગવટાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં જમાવેલી જુગારના બે ફીલ્ડ પર પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં એક ફિલ્ડમાંથી હનીફ ઉઢા દેથા, ઉકા ગગુ નંદાણીયા, બાબુ નાથા બાંભવા અને જુમા બાવા હિંગોરા નામના ચાર શખ્સોને રૂપિયા 20,000ની રોકડ રકમ અને રિક્ષા સહિત કુલ રૂ. 1 લાખ 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
બીજા દરોડામાં આ જ સ્થળે અન્ય એક ફિલ્ડમાંથી ગફાર અબ્દુલ ખફી, ડાયા હાજા બાંભવા અને ફારૂક મામદ ખીરા તથા અન્ય એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને રૂપિયા 30,600ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આમ, જુગારની બે ફિલ્ડમાંથી કુલ રૂ. 1,50,600ના મુદ્દામાલ સાથે મહિલા સહિત 8 વ્યક્તિઓને ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.


