Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાઇટર અને પીએસઆઇ વત્તી એક લાખની લાંચ લેતા પોલીસ કર્મચારી ઝડપાયો

રાઇટર અને પીએસઆઇ વત્તી એક લાખની લાંચ લેતા પોલીસ કર્મચારી ઝડપાયો

ચિટિંગની અરજી સંદર્ભે રાઇટર અને પીએસઆઇ દ્વારા એક લાખની માંગણી : એસઓજી કોન્સ્ટેબલએ મઘ્યસ્થી કરી : એસીબીની ટીમએ એસઓજી પોલીસકર્મીને લાંચ લેતાં દબોચ્યો : રાઇટર અને પીએસઆઇની શોધખોળ

જામનગર શહેરના ઉદ્યોગનગર પોલીસચોકીમાં ચિટિંગની અરજી સંદર્ભે હેરાન નહીં કરવા જાગૃત નાગરિક પાસેથી પીએસઆઇ અને રાઇટર વત્તી રૂપિયા એક લાખની લાંચ લેતાં એસઓજીના પોલીસ કોન્સ્ટેબલને રાજકોટ એસીબીની ટીમએ રંગેહાથ ઝડપી લઇ પીએસઆઇ અને રાઇટરની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસચોકીમાં જાગૃત નાગરિક વિરૂઘ્ધ અગાઉ ચીટીંગની અરજી થઇ હતી. આ અરજી સંદર્ભે ભવિષ્યમાં હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા તેમજ હેરાન નહીં કરવા મામલે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ રવિ ગોવિંદ શર્માએ પીએસઆઇ આર. ડી. ગોહિલ અને રાઇટર ધમભાઇ બટુકભાઇ મોરી સાથે રૂબરૂ મળી વહીવટ કરાવી દેવાનું ગોઠવી દીધું હતું. જે સંદર્ભે રૂબરૂ મુલાકાત બાદ રાઇટર ધમભાઇએ જાગૃત નાગરિક પાસેથી રૂા. 50 હજારની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ જાગૃત નાગરિકને એસઓજીનો કોન્સ્ટેબલ રવિ પીએસઆઇ આર. ડી. ગોહિલ પાસે પોલીસચોકીએ રૂબરૂ મુલાકાત માટે લઇ ગયો હતો. જ્યાં પીએસઆઇએ રૂા. 50 હજારની માંગણી કરી હતી.

આ ચીટીંગની અરજી મામલે જાગૃત નાગરિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી નાગરિકે જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી રાજકોટ એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક જે. એમ. આલની સૂચનાથી પીઆઇ આર. એન. વિરાણી તથા સ્ટાફએ છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમ્યાન જામનગરમાં સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ પર, પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાંથી ગઇકાલે રાઇટર પો.કો. ધમભાઇ મોરી અને પીએસઆઇ આર. ડી. ગોહિલ વત્તી રૂા. એક લાખની લાંચ લેતા એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ રવિ ગોવિંદ શર્મા નામના પોલીસ કર્મચારીને એસીબીની ટીમએ રંગેહાથ ઝડપી લીધો હતો. તેમજ આ લાંચની રકમ કબ્જે કરી રાઇટર ધમભાઇ, પીએસઆઇ આર. ડી. ગોહિલ અને પો.કો. રવિ શર્મા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular