ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર રાત્રિના સમયે વાહન અકસ્માત ન સર્જાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા જુદા-જુદા વાહનોમાં રિફ્લેક્ટરો લગાડવાની કામગીરી કરવામાં આવી હતી.
હાલની ઋતુ પ્રમાણે વહેલી સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ રહેતું હોય અને તેના કારણે રાત્રિના સમયે પસાર થતા વાહનોના વિવિધ પ્રકારે અકસ્માત સર્જાતા હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા નજીકના જુદા જુદા હાઈવે પર થી પસાર થતાં ટ્રક જેવા હેવી વાહનો ઉપરાંત બસ, ટ્રેક્ટર, છકડા રીક્ષા વિગેરે જેવા મોટા વાહનોમાં રિફ્લેકટર લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા તેમની ટીમ દ્વારા આ પંથકના ચેકપોસ્ટ તેમજ ટોલનાકા ખાતે જુદાજુદા પ્રકારના 554 જેટલા વાહનોમાં રેડિયમ પટ્ટી (રિફ્લેકટર) લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશને લોકોએ આવકારી હતી.