જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ થાય તે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગત રાત્રિના શહેરના મોમાઈનગર વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતાં અને એક સાથે ચાર-ચાર મકાનોને નિશાન બનાવી રોકડ તથા દાગીનાની ચોરી કરી ગયા છે. ઉપરાંત ગોકુલનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં પણ એક મકાનના તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. ઉપરાંત મોટા થાવરિયા ગામમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા છે. શહેર અને જિલ્લામાં થયેલા ચોરીના છ-છ બનાવોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
2022 વિધાનસભાની ચૂંટણીનૂં જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છેે અને પોલીસ દ્વારા શહેરના વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજવામાં આવી રહી છે. ત્યારે આ ચૂંટણીની કામગીરીનો ગેરલાભ તસ્કરોએ ઉઠાવી લીધો હતો અને ગત રાત્રિના સમયે શહેરના મોમાઈનગર વિસ્તારમાં ત્રાટકી એક સાથે ચાર-ચાર મકાનનોને નિશાન બનાવ્યા હતાં. તસ્કરોએ બંધ રહેલા ચાર મકાનોના મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં. મોમાઈનગર વિસ્તારમાં એક સાથે ચાર-ચાર મકાનોમાં તાળા તૂટતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરથી તપાસ આરંભી વિસ્તારમાં રહેલા સીસીટીવી ફુટેજો તપાસી તેના આધારે તસ્કરોનું પગેરુ મેળવવા અને ચાર મકાનોમાંથી કેટલાની માલમતાની ચોરી થઈ છે ? તે દિશામાં તપાસ હાથ ધરવા ગુનાશોધક શ્ર્વાન તેમજ એફએસએલની મદદ લઇ ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉપરાંત જામનગર જિલ્લાના મોટા થાવરિયા ગામમાં રહેતાં નિતેશ પ્રેમજીભાઈ જાલાણી નામના મજૂરી કામ કરતા યુવાનનું ગત તા.28 ઓકટોબર થી 7 નવેમ્બર સુધી બંધ રહેલ મકાનમાં તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશી અનાજ ભરવાની કોઠી ઉપર રાખેલા સ્ટીલના ડબ્બામાંથી રૂા.34,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.43 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.77,500 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ મકાન માલિક દ્વારા કરાતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની તપાસ આરંભી હતી.
તેમજ જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલા શિવનગર શેરી નં.2 માં રહેતા ધીરજભાઈ ડાયાભાઈ કટેશી નામના પ્લમ્બીંગ કામ કરતા યુવાનના બંધ મકાનમાંથી મધ્યરાત્રિના 2 વાગ્યા થી 6 વાગ્યા સુધીના 4 કલાકના સમય દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી રુમમાં રહેલા કબાટનો લોક તોડી તેમાંથી રૂા.42000 ની રોકડ અને રૂા.1500 ની કિંમતની સોનાની નાની બુટી તેમજ રૂા.500 ની કિંમતની સોનાની ચુક મળી કુલ રૂા.44000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. ધીરજભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.