જામનગર શહેરમાં પંચવટી ભૂતબંગલા સામે આવેલા સ્પામાં કામ કરતી તરૂણીને એએચટીયુની ટીમે મુકત કરાવી સ્પાના માલિક અને સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી ભૂતબંગલા સામે આવેલી ઓસીયાનિક સોલીટીર બિલ્ડિંગમાં પ્રથમ માળે આવેલા ગોલ્ડન સ્પામાં બાળમજૂરી કરાવી શારીરિક અને આર્થિક શોષણ કરાતું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એન ડી સોલંકી, એએસઆઈ રણમલભાઈ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડિયા, ડ્રા.પો.કો. ભયલુભા વેલુભા જાડેજા સહિતના સ્ટાફે ચેકિંગ દરમિયાન તપાસતા ગોલ્ડન સ્પામાં એક વર્ષથી રૂા.8000/- ના માસિક પગારથી 10 કલાક માટે પ્રતિદિન સફાઈ કામ કરાવતું હોવાનું જણાતા તરૂણીને સ્પાના સંચાલકો પાસેથી મુકત કરાવી તેમના વાલીઓને સોંપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમે ગોલ્ડન સ્પાના સંચાલક અને માલિક કેતન ભૂપત ચોટલિયા (રાજકોટ), મનિષ રમણિક પટેલ (રાજકોટ) નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.