જામનગર શહેરમાં માલદેભૂવન પાછળ કિસાન ચોક વિસ્તારમાં રહેતા યુવકને પરિણીતાએ તેની પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બંધાવી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ યુવતીના પતિ એ મારી નાખવાની ધમકી આપી અન્ય શખ્સ સાથે મળી રૂા.1.83 લાખ પડાવી બળાત્કારની ખોટી ફરિયાદ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કિસાન ચોક માલદેભૂવન પાછળ રહેતાં મિત વસીયર નામના યુવક સાથે વડોદરાની બંસરી અતુલ સોલંકી એ પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બંસરીના પતિ પ્રતિક કમલેશ કનખરાએ મિતને પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ જુગલ ધર્મેન્દ્ર બુધ નામના અન્ય શખ્સે મિતને મારવાની ધમકીઓ આપી હતી. આ ત્રણેય એકસંપ કરી મિતને બ્લેકમેઈલ કરી તેની પાસેથી બળજબરીપૂર્વક રૂા.1,83,500 ની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ બંસરીએ મિત વિરૂધ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમગ્ર પ્રકરણમાં મિતના કાકા કપિલભાઈએ દંપતિ સહિતના ત્રણેય શખ્સો વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.