જામનગર શહેરના સાધના કોલોની ગેઈટ નંબર 2 પાસે બપોરના સમયે ફ્રુટ અને ગરમ ટોપીના ભાવ બાબતે લારીવારા સાથે બોલાચાલી થતા અપશબ્દો બોલવાની ના પાડતા વેપારી યુવાન ઉપર ખાર રાખી ત્રણ શખ્સોએ ઝપાઝપી કરી બચકા ભરી આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સામા પક્ષે રેંકડીચાલકે વેપારી યુવાન સહિતના ત્રણ શખ્સ દ્વારા સુયા અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની સામ-સામી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી તેમજ વેપારી ઉપર થયેલા હુમલાના વિરોધમાં સાધના કોલોની વેપારી એસોસિએશન તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની હિંગળાજ કોલ્ડ્રીંકસની બાજુમાં રહેતાં વેપારી મહેશભાઈ પરમાણંદભાઇ ગોપલાણી નામના યુવાન મંગળવારે બપોરના સમયે સાધના કોલોની પાસે આવેલી મંગળવારી બજારમાં સ્ટ્રોબરીના ફ્રુટ અને ગરમ ટોપી લેવા ગયા હતાં તે દરમિયાન રેંકડીધારક મહમદહુશેન અબ્દુલ સફર ધાણીવાલા સાથે બોલાચાલી થઈ હતી. જેથી લારીધારકે યુવાન વેપારીને અપશબ્દો કહ્યા હતાં. ત્યારબાદ વેપારી ત્યાંથી ચાલ્યા ગયા હતાં અને આ બોલાચાલીનો ખાર રાખી લારીધારક મહોમદહુશેન, યુસુબહુશેન અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી સાધના કોલોની ગેઈટ નં.2 પાસે વેપારી મહેશભાઇ તેની કેબિન પાસે ઉભા હતાં ત્યારે ત્રણેય શખ્સોએ આવી ઝપાઝપી કરી હતી અને મહોમદે વેપારીને કાનમાં બચકુ ભરતા લોહી નિકળતા ત્યાં જ પડી ગયા હતાં અને યુસુબ હુશેન તથા અજાણ્યા શખ્સએ વેપારીને આડેધડ માર મારી કાનમાં તથા હોઠમાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે મહમદહુશેન નામના રેંકડી ધારક ઉપર વેપારી મહેશ પરમાણંદ તથા બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી બરફ કાપવાના સુયા વડે માથામાં હુમલો કરી અને અન્ય બે શખ્સોએ ધોકા વડે આડેધડ માર મારી ધમકી આપી હુમલો કર્યો હતો. સામસામા થયેલા હુમલામાં બે વ્યક્તિઓ ઘવાયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સામાસામા થયેલા હુમલાની જાણ થતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે બંને પક્ષે પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી. વેપારી ઉપર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને વેપારી એસોસિએશને વખોડી કાઢી હુમલા ખોરોને ઝડપી લઇ વહેલી તકે સજા થાય તેવી માંગણી કરી હતી. તેમજ સાધના કોલોનીમાં અસામાજિક તત્વોનો પણ ત્રાસ હોય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી. આ વિસ્તારમાં મંગળવારે ભરાતી ગુજરી બજારને બંધ કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ બજારને કારણે ટ્રાફિક સમસ્યા, ચોરી તથા વેપારીઓ સાથે માથાકૂટમાં બનાવો અવારનવાર બને છે. આથી આ બજાર બંધ કરવા પણ સાધના કોલોની વેપારી મંડળના પ્રમુખ અશોકભાઇ ચાંદ્રા સહિતના વેપારીઓ દ્વારા માંગણી કરાઇ છે.
વેપારી મંડળ, હિન્દુ સેના તથા વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા વેપારી ઉપર હુમલાના આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.