જામનગર શહેરમાં હોટલના સંચાલકે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન નવ લાખની રકમ વ્યાજે લીધી હતી. ત્યારબાદ આ નવ લાખની રકમનું વ્યાજ ભર્યુ હોવા છતાં વ્યાજખોરે સંચાલક પાસેથી ત્રણ કોરા ચેક લખાવી લીધા હતાં. ઉપરાંત તેના મિત્રનું મકાન પોતાના નામે કરાવી લઇ વધુ 18 લાખની માંગણી કરતાં આખરે સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
રાજ્યમાં વધતા જતાં વ્યાજખોરના ત્રાસને ડામવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં આજથી ખાસ ઝુંબેશ શરૂ કરી હતી અને આ ઝુંબેશ શરૂ થાય તે પહેલાં જ જામનગર શહેરમાં વ્યાજખોર વિરૂધ્ધ એક ફરિયાદ નોંધાઇ છે. જેની વિગત મુજબ જામનગરમાં પંચવટી વિસ્તારમાં જલારામ રેસ્ટોરન્ટના નામથી ખાણીપીણીની લોજના સંચાલક જતીનભાઇ મનસુખભાઇ વિઠ્ઠલાણીને લોકડાઉન દરમ્યાન લોજને બંધ રાખવાનો વારો આવ્યો હોવાથી તેનું માસિક જગ્યાનું ભાડું 40 હજાર રૂપિયા ઉપરાંત 60 હજાર જેટલું લાઇટ બિલ અને માણસોના પગાર સહિતનું દેણું વધી જતાં તેણે જામનગરના હરેન્દ્રસિંહ જાડેજા પાસેથી 9 લાખ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જે રકમના બદલામાં હરેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા ત્રણ-ત્રણ લાખના ત્રણ ચેક સહી કરાવીને મેળવી અને અન્ય ગેરંટી આપવી પડશે તેમ કહી એક મકાનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવાનું કહ્યું હતું જેથી હોટલ સંચાલકએ પોતાના જ મિત્ર એવા બળુભાનું નવું મકાન ખરીદવું હોવાથી તેના સીધા દસ્તાવેજ આ શખ્સના નામે કરાવી આપ્યા હતા. હોટલ સંચાલક દ્વારા કટકે-કટકે માસિક રૂપિયા 45 હજારના હપ્તો પેટે ત્રણ લાખ 60 હજારની રકમ વ્યાજના સ્વરૂપમાં ચૂકવી દીધી હતી. પરંતુ આર્થિક તંગી આવી જતાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજ દેવાનું બંધ કર્યુ હતું.
દરમ્યાન હરેન્દ્રસિંહ જાડેજાએ તેને કોરા ચેક પરત કર્યા ન હતા. જયારે મકાન પોતાના નામે કરાવી લીધા ઉપરાંત 18 લાખ રૂપિયા ચૂકવવા પડશે તેવી માંગણી કરીને ધાકધમકી અપાતાં આખરે જતિનભાઇએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને અરજી કરી હતી. અરજીના સંદર્ભે પીએસઆઈ બી.બી.કોડિયાતર તથા સ્ટાફે હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા વિરૂધ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ આરંભી હતી.