જામનગરના ચકચારી જાતીય સતામણી પ્રકરણમાં આખરે બે શખ્સો સામે ગુન્હો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરની કોવિડ હોસ્પિટલના જાતીય સતામણીના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિના આદેશ બાદ કલેકટર રવિશંકરે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ તપાસ સમિતિના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, એએસપી નિતેશ પાંડયે અને ડીન નદીનીબેન દેસાઈ દ્વારા જાતીય સતામણીનો ભોગ બનનાર એટેન્ડન્ટના નિવેદનો વિડિઓ રેકોર્ડિંગ સાથે લેવામાં આવ્યા હતાં. આ નિવેદનનો પીડિતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંગઠનોએ પીડિતોને સપોર્ટ કરી તાત્કાલીક એલ બી પ્રજાપતિ સહિતનાઓ સામે ગુન્હો નોંધવા માંગણી કરી હતી.
તેમ છતાં તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈપણ કારણસર પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ થઈ રહ્યો હતો. દરમિયાન તપાસ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ કલેકટરને સોપાયો હતો.બાદમાં આ ચકચારી પ્રકરણમાં આજે સાંજે પોલીસ દ્વારા એલ બી પ્રજાપતિ અને અકબર નામના બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી બંને શખ્સોની અટકાયત કરી બંનેના કોવિડ પરિક્ષણની કાર્યવાહી કરવામાં આવી હતી. કોવિડ પરીક્ષણનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવશે. અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી આ પ્રકરણમાં વધુ કેટલા શખ્સોની સંડોવણી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે. જોકે આ પ્રકરણમાં વધુ શખ્સોની સંડોવણી ખુલે તેવી શક્યતા છે.