જામનગરમાં નવા બનેલા ફલાય ઓવર બ્રિજ પર બાઇક સ્ટંટ કરતો યુવાનનો વિડીયો વાયરલ થતાં પોલીસની નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલની ટીમે નવા ઉભા થયેલા દિવલા ડોનને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગેની વિગત અનુસાર જામનગરના નવા બંધાયેલા ફ્લાય ઓવર બ્રિજ પર કેટલાક બાઈક સવાર પોતાના સ્ટંટના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, આવો જ એક નવો દિવલો ડોન પેદા થયો છે, પરંતુ જામનગર ના પોલીસના નેત્રમ વિભાગની ટીમે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તથા વાહનો માટેની એપ્લિકેશનના આધારે બાઈક સવાર દીવલા ડોનને શોધી કાઢ્યો હતો અને તેને કાયદાના પાઠ ભણાવ્યા છે. જેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તેનું વાહન કબજે કર્યું છે. સાથો સાથ ભવિષ્યમાં ફરી આવા કોઈ સ્ટન્ટ નહીં કરે, તેવી પણ બાહેંધરી લીધી છે.
જામનગરના એસ.પી. ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ભયજનક ડ્રાઇવીંગ તથા બાઇક સ્ટંટ કરનાર પર કાયદેસરની કાર્યવાહીના સંદર્ભમાં જામનગર પોલીસ વિભાગના નેત્રમ શિર્ષક હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટુકડી દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરેનું સર્ચ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન તા.03ના રોજ એક બાઇક સ્ટંટનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો. જે ધ્યાને આવતાં પીએસઆઇ બી.બી.સિંગલની સુચના મુજબ એએસઆઇ પરેશભાઇ ખાણધર, પો.કોન્સ. સંજયભાઇ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલીયા તથા પારૂલબા જાડેજા સહિતની ટીમ દ્વારા હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં બાઇક સ્ટંટ કરનારના મો.સા નં. જી.જે. 10 ડી.એલ. 0739 હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે બાઇક ચાલકની આઈ.ટી.એમ.એસ. સોફ્ટવેરમાં મુવમેન્ટ ચેક કરતાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી રીલ્સ સાથે સરખાવતાં બાઇક સ્ટંટ કરનારની ઓળખ થવાથી તેનો આર.ટી.ઓ. ડેટા ચેક કરવામાં આવ્યો હતો.
જેમાં પોતે જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી હોવાનું અને તેનું નામ દિવ્યેશ ઉર્ફે દિવલો શૈલેષભાઈ વાઘેલા હોવાનું જાણવા મળતાં પોલીસ વિભાગના પરેશભાઇ ખાણધર તથા સંજયભાઇ જોડ દ્વારા શંકર ટેકરી વિસ્તારમાં તપાસ કરતાં આ મો.સા ચાલક પોતાના નિવાસ સ્થાને મળી આવ્યો હતો.
જેની આ વાયરલ વિડીયો વિશે પુછપરછ કરતાં તેણે તા.25 નવેમ્બરના રોજ આ વિડીયો રીલ્સ બનાવી હોવાની કબુલાત કરતાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીટી બી. ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કરી આ બાઇક સ્ટંટ કરનાર દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેશભાઇ વાઘેલા વિરૂઘ્ધ પો.કોન્સ સંજયભાઈ જોડએ જાતેથી ફરીયાદી બની કાયદેસરની કાર્યવાહી કરી છે.
View this post on Instagram
એસપીની ટ્રાફીક નિયંત્રણ અંગે જાહેર જનતાને અપીલ
જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ ઉપર ઓવર સ્પીડીંગ કરતા, બાઇક સ્ટંટ કરતા તેમજ રફ ડ્રાઇવીંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર સી.સી.ટી.વી કેમેરા મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા નજર રાખવામાં આવે છે. જેથી તમામ વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમો પાળવા સારૂ અપીલ કરવામાં આવી છે.


