જામજોધપુર તાલુકાના વરવાળા ગામના સરપંચ સહિતના બે વ્યક્તિઓને ચૂંટણીના વેરઝેરનો ખાર રાખી હારેલા ઉમેદવારના પુત્રોએ લાકડી વડે માર મારી હુમલો કરતાં સરપંચે હવામાં ફાયરીંગ કર્યું હતું. આ બનાવમાં હુમલાખોરો રિવોલ્વર લૂંટીને નાશી ગયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ એક હુમલાખોરને રિવોલ્વર સાથે પકડી પાડયો હતો.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામના રહેવાસી રામશીભાઈ મેપાભાઈ બેરા (ઉ.વ. 65)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગામની પંચાયત ચૂંટણી દરમિયાન તેમની તરફથી ઉમેદવારી નોંધાવનારની વિજયથી નારાજ અને ખાર રાખી બાલુ દેવા મોરી, પ્રફૂલ્લ દેવા મોરી, દીલા દેવા મોરી (રહે. ભડાનેશ, તા. જામજોધપુર) નામના શખ્સોએ તા. 13ના રોજ સરપંચ તેના મિત્ર સરમણભાઈ રામાભાઈ હુણ સાથે જતા હતા ત્યારે આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કરી ફ્રેકચર સહિતના ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન પોતાની પરવાનાવાળી રિવોલ્વર કાઢી સરપંચએ હવાઈ ફાયરિંગ કરી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આરોપી પ્રફુલ મોરી સહિતના શખ્સોએ સરપંચને માર માર્યો અને રિવોલ્વર ઝૂંટવી લુંટ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 2023 કલમ 311, 117(2), 114(2), 126(2), 54 તથા જીપી એક્ટ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જના મહાનિરીક્ષક અશોક કુમાર તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ્પેકટર એ. એસ. રબારી તથા સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાંથી પોરબંદર તરફ નાશી જવાની તૈયારીમાં રહેલા પ્રફૂલ્લ દેવા મોરી (ઉ.વ.23) નામના શખ્સને લૂંટ કરાયેલી રિવોલ્વર સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


