જામનગર શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે પોલીસ જવાનોને પંડાલોની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી ‘એ’ પોલીસ સ્ટેશન હદમાં આવેલા વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજ ચાવડા તથા તેમની ટીમે લીધી હતી. આ દરમિયાન તેમણે ભક્તિભાવપૂર્વક ગણેશજીના દર્શન કર્યા તેમજ પંડાલ સંચાલકો અને સ્થાનિકોને પોલીસ તરફથી પૂરતું સહયોગ આપવા અંગે ખાતરી આપી હતી.
View this post on Instagram
સાથે જ ટ્રાફિક વ્યવસ્થાથી લઈને અન્ય અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જો કોઈ મુશ્કેલી ઉભી થાય તો પોલીસ હંમેશાં મદદરૂપ રહેશે તેવી ખાતરી પણ અપાઈ હતી. પોલીસની આ સતર્ક કામગીરીને કારણે ભક્તો નિરાંતે ઉત્સવની ઉજવણી કરી શકે છે અને સમગ્ર શહેરમાં સુવ્યવસ્થિત રીતે ગણેશોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.


