ગુજરાતના શહેરોના ઘરઘરના રસોડામાં મોટા પ્રમાણમાં વપરાવા માંડેલા પાઈપ્ડ નેચરલ ગેસ – પીએનજીના ભાવમાં અદાણી ગેસે સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીટ એકાએક રૂા. 28નો વધારો કરી દીધો છે. તેને પરિણામે રસોડામાં વપરાતા પીએનજી ગેસના બિલમાં સરેરાશ રૂા.200ની આસપાસનો વધારો દરેક ઘરે વેંઢારવો પડશે. ખાનગી મોટર, સરકારી બસ અને ઓટોરિક્ષામાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજીના કિલોદીઠ ભાવમાં પણ અદાણી ગેસે રૂા.1.31નો વધારો ઝીંક્યો છે. સીએનજીનો કિલોદીઠ ભાવ વધીને રૂા. 83.90નો થઈ ગયો છે. ગુજરાતના 10 લાખથી વધુ ખાનગી મોટર, ઓટો રિક્ષા ચાલકોનો ખર્ચબોજ વધશે. બીજી તરફ સીએનજીની ગુણવત્તા અંગે પણ સવાલ થાય તેવી સ્થિતિ છે. સીએનજીના વપરાશકારોને છેલ્લા થોડા મહિનાઓની એવરેજ પણ બહુ જ ઓછી મળી રહી હોવાથી તેમને બમણો માર પડી રહ્યો છે.