મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી હતી. આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો ત્રીજો દિવસ છે. એવું મનાય છે કે આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ સામે નિશાન તાકશે. તેઓ સાંજે 4 વાગ્યે ગૃહમાં બોલશે.
સંરક્ષણ મંત્રી અને સાંસદ રાજનાથ સિંહે જણાવ્યું કે પીએમ મોદી 10 ઓગસ્ટે સંસદમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્ર્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. 26 જુલાઈના રોજ વિપક્ષે મણિપુર હિંસા મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી. રાજકીય નિષ્ણાતો કહે છે કે મોદી સરકાર ગૃહમાંથી વિશ્વાસ ગુમાવશે નહીં. કારણ કે એનડીએ સિવાય ભાજપ પાસે ગૃહમાં સંપૂર્ણ બહુમતી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે ભાજપ અને મોદી સરકારને આડે હાથ લેતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. જેના બાદ સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે તેમને સજ્જડ જવાબ આપ્યો હતો. હવે આજે પીએમ મોદી આ મામલે વિપક્ષને નિશાને લઈ શકે છે.