વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે શીખ ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ પર લાલ કિલ્લા પર એક કાર્યક્રમને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી નહીં પરંતુ લૉનમાંથી રાષ્ટ્રને સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન રાત્રે 9:15 વાગ્યે શરૂ થશે. સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કિલ્લામાંથી જ મુગલ શાસક ઔરંગઝેબે 1675માં શીખોના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુરને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. આ જ કારણ છે કે લાલ કિલ્લો તેમની 400મી જન્મજયંતિના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું. મુઘલ યુગના સ્મારક લાલ કિલ્લા પર સૂર્યાસ્ત બાદ ભાષણ આપનારા નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે.
આ પ્રસંગે 400 રાગીઓ દ્વારા શબદ કીર્તન કરવામાં આવશે. રાગી એક સંગીતકાર છે જે શ્રી ગુરુ ગ્રંથ સાહિબની સૂચનાઓ અનુસાર વિવિધ રાગોમાં સ્તોત્રો (શબદ) નો પાઠ કરે છે. આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમઓ અનુસાર, આ ઈવેન્ટનો હેતુ ગુરુ તેગ બહાદુરના ઉપદેશોને રેખાંકિત કરવાનો છે.
લાલ કિલ્લાની પરથી વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસ સિવાય આવું બીજી વખત બનશે કે જ્યારે પીએમ આ ઐતિહાસિક સ્મારક પરથી ભાષણ આપશે. 2018 માં તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિંદ સરકારની રચનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સવારે 9 કલાકે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.