ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતા મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પ્રચાર યુધ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રચાર યુધ્ધની ઝલક આજે જામનગર શહેરમાં પણ જોવા મળી છે. સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડની દિવાલ પર ભાજપના ચૂંટણી પ્રતિક કમળના નિશાનની આજુબાજુ કોંગ્રેસી કાર્યકરોએ ગેસ સિલિન્ડરના ચિત્ર લગાવીને મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો છે. એક તરફ ભાજપા તેના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત રાજયભરમાં દિવાલો પર કમળના નિશાન ચિતરાવી રહી છે તો બીજી તરફ આ નિશાનની બાજુમાં જ ગેસના બાટલાના અસહ્ય ભાવ વધારાને ઉજાગર કરતાં ચિત્ર ચિપકાવવાનો કોંગ્રેસે શરૂ કરતાં વાતાવરણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના મહામંત્રી ભરત વાળાએ આ ચિત્ર કોંગ્રેસી કાર્યકરોએ લગાવ્યા હોવાનું સ્વીકારી જણાવ્યું કે, મોંઘવારીથી ત્રસ્ત પ્રજાનું દર્દ દર્શાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરાએ કોંગ્રેસના આ કૃત્યને નિમ્નકક્ષાની માનસિકતા અને રાજનીતિ દર્શાવી છે. તેમણે કહ્યું કે, ભાજપે જો આ પ્રકારનો પ્રચાર કરવો હોય તો તે ઉજજવલા યોજનાનો જોરશોરથી પ્રચાર કરી શકે છે કેમ કે, મોદી સરકારની આ યોજનાએ દેશની કરોડો મહિલાઓને ઝુલાના ધુમાડામાંથી મુકિત અપાવી છે અને ગંભીર બિમારીઓથી બચાવી છે. જો કે, પ્રદર્શન ગ્રાઉન્ડની દિવાલ સરકારી મિલ્કત હોય તેના પર કોઇપણ પ્રકારની પ્રચારાત્મક સામગ્રી ચિપકાવવા માટે તંત્રની મંજૂરી લેવી જરૂરી હોય છે. અહીં પ્રશ્ન એ છે શું બન્ને પક્ષોએ આવી કોઇ મંજૂરી લીધી છે ખરી ? જો નથી લીધી તો સ્થાનિક પ્રશાસન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે ખરી ?