જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા વર્ધમાન નગર વિસ્તારમાં ઈલેકટ્રીક થાંભલા ઉપર પાવર બંધ કરવા માટેનું કામ કરતો કર્મચારીનું નીચે પડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના બેડેશ્ર્વરમાં રહેતાં યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલા વર્ધમાનનગરમાં ગુરૂવારે મહેશ બીજલભાઇ મકવાણા (ઉ.વ.35) નામનો પીજીવીસીએલનો કર્મચારી ઈલેકટ્રીક થાંભલા ઉપર પાવર બંધ કરવાની કામગીરી કરતો હતો તે દરમિયાન જમણા હાથમાં ઈલેકટ્રીક વાયર અડી જતા નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તેડ પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. દાંતણિયા તથા સ્ટાફે ખુમાનસિંહ રાઠવાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના બેડેશ્વરમાં વૈશાલીનગર શેરી નં.8 માં રહેતાં મહેન્દ્રભાઈ વિનોદભાઈ પરમાર (ઉ.વ.38) નામના યુવાને ગત તા.28 ના રોજ સવારના સમયે તેના ઘરે કોઇ અકળકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિક્રમ પરમાર દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.