પીજીવીસીએલ કચેરી દ્વારા જામનગર સહિત હાલાર પંથકમાં છેલ્લા ચાર દિવસથી કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરીને વિજચોરો ઉપર તવાઇ બોલાવવામાં આવી રહી છે. આજે સતત ચોથા દિવસે પીજીવીસીએલની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખંભાળિયા ગ્રામ્ય, ભાણવડ સબ ડિવિઝન અને ખંભાળિયા ડિવિઝન હેઠળના ભાણવડ ગ્રામ્ય, ખંભાળિયા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની 28 ટીમો દ્વારા વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજચેકિંગ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 15 એસઆરપી જવાનો સહિતનો કાફલો સાથે રાખવામાં આવ્યો હતો.
જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ જામનગર શહેરમાં વીજચેકીંગ દરમિયાન પોણા કરોડ જેટલી વીજચોરી ઝડપી લીધા બાદ ગઇકાલે સતત ત્રીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર અને દ્વારકા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં 30 ટીમો દ્વારા સઘન વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 73 જેટલા વીજજોડાણોમાં ગેરરીતિ મળી આવતા 17.93 લાખના વીજચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
જામનગર પીજીવીસીએલ દ્વારા સોમવારથી જામનગર શહેર-જિલ્લામાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે જામનગર શહેરમાંથી 80 વીજજોડાણોમાંથી 41.27 લાખ અને બીજા દિવસે 100 વીજજોડાણોમાંથી 32.55 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. આમ બે દિવસ દરમિયાન જામનગર શહેરમાંથી કુલ 73 લાખ જેટલી વીજચોરી ઝડપાઈ હતી. જેમાં બીજે દિવસે 515 વીજજોડાણો ચેક કરાયા હતાં. જેમાં 100 વીજજોડાણોમાંથી ગેરરીતિ મળી આવતા 32.55 લાખના વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યાં હતાં.
ગઇકાલે સતત ત્રીજા દિવસે પણ વીજચેકીંગની કાર્યવાહી અવિરત રહી હતી. ગઇકાલે ત્રીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર તથા દ્વારકા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની 30 ટીમો વીજચેકીંગ માટે ઉતરી હતી. જેમાં 14 એસઆરપી જવાન, 24 લોકલ પોલીસ સહિતનો કાફલો ચેકીંગ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે સાથે રાખવામાં આવ્યો હતો. ચેકિંગ ટીમ દ્વારા બામનાશા, બાટાડિયા, ગાગા, કુરંગા, ઓખામઢી, ગઢકા, પટેલકા, ગોકુલપર, કેનેડી, હડમતિયા, ભાટવડિયા સહિતના વિસ્તારોમાં સઘન વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 418 વીજજોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં જે પૈકી 73 વીજ જોડાણોમાં ગેરરીતિ મળી આવી હતી. જેઓને રૂા.17.93 લાખના વીજ ચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલ દ્વારા સતત ચાર દિવસથી વીજ ચોરી અંગે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.