જામનગર શહેર અને જિલ્લામાં આજે સતત પાંચમા દિવસે ચેકિંગ કામગીરી અંતર્ગત 32 ટીમો દ્વારા 16 એસઆરપી જવાનો અને 18 લોકલ પોલીસ તથા 05 એકસ આર્મીમેનના બંદોબસ્ત સાથે જામજોધપુર અને લાલપુર સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૂર્વે ચાર દિવસ દરમિયાન પીજીવીસીએલ દ્વારા 1 કરોડ 47 લાખના બિલો ફટકારવામાં આવ્યાં છે.
રાજ્યમાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ દ્વારા ચેકીંગ કામગીરી અંતર્ગત ગેરરીતિ ઝડપી લઇ બીલો ફટકારવામાં આવે છે. દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં આજે પાંચમાં દિવસે 32 ટીમો દ્વારા 16 એસઆરપી જવાનો અને 18 લોકલ પોલીસ તથા 05 એકસ આર્મીમેનના બંદોબસ્ત સાથે જામજોધપુર અને લાલપુર સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પૂર્વે સોમવારે પીજીવીસીએલની 36 ટીમો દ્વારા જામનગર શહેરના સાધના કોલોની, નિલકંઠનગર, શંકરટેકરી સહિતના વિસ્તારોમાં 559 જોડાણોમાંથી 102 માં ગેરરીતિ ઝડપાતા 38.40 લાખના બિલો ફટકાર્યા હતાં. તેમજ મંગળવારે 35 ટીમો દ્વારા બેડી, નવાગામ ઘેડ, ભીમવાસ વિસ્તારોમાં 407 જોડાણો તપાસતા 88 જોડાણોમાથી ગેરરીતિ ઝડપાતા 66 લાખના બિલો ફટકાર્યા હતાં. જ્યારે બુધવારે 32 ટીમો દ્વારા દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયાના વિસ્તારોમાં 427 જોડાણો તપાસતા 71 માં ગેરરીતિ ઝડપાતા 23.90 લાખના બિલો તથા ગુરૂવારે 33 ટીમો દ્વારા ધ્રોલ અને કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 397 વીજ જોડાણો તપાસતા 60 માં ગેરરીતિ જણાતા 19.10 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં. ફટકારતા ચાર દિવસ દરમિયાન 1 કરોડ 47 લાખના બિલો ફટકાર્યા હતાં.