જામનગર સહીત દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 6 દિવસથી વધારો થઇ રહ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 37 પૈસાનો વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલમાં પ્રતિ લીટર 4.00 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 4.10 રૂપિયાનો વધારો કરાયો છે.
આજે પેટ્રોલ-ડીઝલમાં વધેલા ભાવના પરિણામે પેટ્રોલના ભાવ રૂ.100ની નજીક પહોચી ગયા છે. જામનગરમાં પેટ્રોલમાં 30 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ રૂ.99.05 જયારે ડીઝલમાં 37 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર ડીઝલના ભાવ રૂ.93.30 ની નજીક પહોચ્યા છે. સતત સાડા ચાર મહિના ભાવો સ્થિર રહ્યા બાદ માર્ચ મહિનામાં છઠ્ઠી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં તાજેતરમાં ખૂબ મોટો વધારો થયો છે. એક સમયે ક્રૂડ ઓઇલ 137 ડૉલર પ્રતિ બેરલ પહોંચી હતી.
ચાર મહિના બાદ દેશભરમાં 22 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો અને ત્યારથી સતત ભાવો વધી રહ્યા છે. પરિણામે લોકોએ મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે.