આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે 28 માર્ચ પછી સૌથી વધુ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે પરતું હવે તેની કિંમતોમાં વધારો થઇ શકે છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પરિણામે લોકો મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે. તો યુદ્ધની સૌથી વધુ અસર ક્રુડ ઓઈલ પર જોવા મળી રહી છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. આ સાથે જ ચીનમાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે તેને લઇને ક્રુડ ઓઈલની માંગમાં વધારો થયો છે. અને પુરવઠાના અભાવે કિંમતો વધી છે.
માર્ચમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઓઈલ કંપનીઓએ 22 માર્ચથી ભાવ વધારવાનું શરૂ કર્યું હતું. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લો વધારો 6 એપ્રિલે 80 પૈસા પ્રતિ લિટર હતો. પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થશે તો ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતાઓ છે.