જામનગર પીજીવીસીએલ કચેરી ખાતે કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીએલ કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા એમ.જી.વી.સી.એલ.માં જેટલો ભાવ આપે છે તેટલો ભાવ પીજીવીસીએલમાં આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ જો માંગણી નહીં સ્વીકાય તો આજે સાંજથી તમામ પ્રકારની કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા જામનગર પીજીવીસીએલ કચેરી ખાતે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સંગઠન દ્વારા વર્ષ 2022 થી સતત લેખિત તથા મૌખિક રજૂઆતો કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડિસ્કોમમાં જે ભાવો આપવામાં આવે છે તેમાં ખાસ કરીને એમ.જી.વી.સી.એલ.માં પીજીવીસીએલ કરતા 40% વધારે ભાવ હોય તે મુજબનો ભાવ વધારો આપવા રજૂઆત કરાઇ હતી. ખૂબ જ પ્રતિકૂળ ૌોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સમયે દિવસ-રાત જોયા વગર કર્મયોગીઓ પાવર રેસ્ટોરેશન સમય મર્યાદામાં સુચારુ રીતે કરી આપનાર કોન્ટ્રાકટરોને ભાવ વધારો કરી અપાયો નથી. આ અંગે રાજકોટમાં મળેલી મીટીંગમાં તમામ સભ્યો દ્વારા આજરોજ તા.11 ના સાંજે 06 વાગ્યાથી લાઈનકામ, વ્હીકલ હાયરીંગ, રીપ્લેસમેન્ટ ઓફ ફેઈલ ટીસી સહિતની કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલની ચિમ્મકી ઉચ્ચારાઈ છે.
એમ.જી.વી.સી.એલ.માં જે પ્રકારના ભાવો છે તે મુજબનો ભાવ વધારો કરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. કચ્છ- સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસો.ના પ્રમુખ ગોપાલભાઈ, મંત્રી જયેશભાઈ કોટડિયા સહિતના દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.