હર ઘર તિરંગા અંતર્ગત જામનગર શહેરમાં આવેલી અંદાજિત પોણા બે લાખ મિલકતો સામે ગઇકાલ સોમવાર સુધીમાં માત્ર 4695 લોકોએ જ તિરંગાની ખરીદી કરી છે. તિરંગો ખરીદવાની બાબતમાં શહેરના લોકો નિરસ જણાઇ રહ્યાં છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત બે થી 12 ઓગસ્ટ દરમિયાન જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સાત કેન્દ્રો ઉપર રૂા. 35ના દરે તિરંગાનું વેચાણ શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન સોમવાર સાંજ સુધીમાં આ તમામ કેન્દ્રો પર માત્ર 4695 ધ્વજનું જ વેચાણ થયું છે. આ વેચાણ પેટે 1,64,325 રૂપિયાની આવક થવા પામી છે. જો કે, જામ્યુકો દ્વારા ધ્વજ નિર્માણ માટે રૂા. 50 લાખથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તા. 12મી ઓગસ્ટ સુધી સાત કેન્દ્રો પરથી ધ્વજનું વેચાણ કરવામાં આવશે. ત્યારબાદ જે લોકોએ ધ્વજ નથી ખરીદ્યા તેમને રાષ્ટ્રધ્વજ વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે કે કેમ? તે અંગે હજૂ સુધી તંત્ર કે સત્તાપક્ષ દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજીતરફ જે આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ શહેરના તમામ ઘરો પર તિરંગો ફરકે તેવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ માટે શું આયોજન છે? અને કેવી રીતે ધ્વજ પહોંચાડવામાં આવશે? તે અંગેની કોઇ વિગતવાર જાણકારી તંત્ર કે પક્ષ દ્વારા આપવામાં આવી નથી.
જો કે, સૂત્રોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર તા. 12 બાદ અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે તંત્ર અને સત્તાપક્ષ દ્વારા રાષ્ટધ્વજનું વિનામૂલ્યે ઘર-ઘર વિતરણ કરવામાં આવશે. કેમ કે, રૂા. 50 લાખના ખર્ચે દોઢ લાખથી વધુ રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.