મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઇને મતદાન ગઈકાલના રોજ પૂર્ણ થયું ત્યારે હવે રાજકીય પક્ષો જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીઓને લઇને મહેનત કરી રહ્યા છે. પરંતુ ભાણવડ તાલુકાના હાથલા ગામના લોકો તંત્રની જરા પણ કામગીરી ન હોવાને લીધે રોષે ભરાયા છે. અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
રાજ્યની 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 56 નગરપાલિકા માટે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. પરંતુ ભાણવડ તાલુકાના હાથલા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અને અગામી તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. પ્રખ્યાત શનીદેવના મંદિરને લઇને ઓળખાતા હાથલા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. ગ્રામજનોએ પાણી, રસ્તાઓ, ખેડૂતોના પ્રશ્નોને લઇને ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો છે. હાથલા ગામના ગ્રામજનોએ અનેક વખત લેખિત રજુઆતો કરી હોવા છતાં તેનું ક્યારેય નિરાકણ આવ્યું નથી અને હજુ પણ તેઓ અનેક સુવિધાઓથી વંચિત છે. પરિણામે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે પ્રખ્યાત શનીદેવનું મંદિર હાથલા ગામમાં આવેલું હોય અને ગુજરાતભરના લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે તેઓને પણ અસુવિધા હોવાથી મુશ્કેલીઓ પડે છે. તેમજ છેલ્લા 15 વર્ષથી ગામમાં અનેક સુવિધાઓનો અભાવ છે. જે અંગે ઘણી વાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં તેનો ક્યારેય હલ આવ્યો નથી. અને સરકાર દ્રારા કામગીરી કરવામાં આવી નથી. ગુજરાતના અનેક ગામડાઓમાં વિકાસ થયો છે. પરંતુ હાથલા ગામ સુવિધાઓથી વંચિત હોવાને લીધે વિકાસમાં ઘણું પાછળ છે. પરિણામે ગ્રામજનોએ જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે.