જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતિ-નાગમતિ નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે શ્રાવણી અમાસે લોકોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે બીજીતરફ જામ્યુકો દ્વારા શ્રાવણી લોકમેળાને વધુ ત્રણ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવતાં લોકોમાં ખુશીની લાગણી છવાઇ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતિ-નાગમતિ નદીના પટ્ટમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગઇકાલે ગુરુવારે શ્રાવણી અમાસ હોય, લોકો મોટી સંખ્યામાં આ મેળામાં ઉમટી પડયા હતાં. ભારે જનમેદની ઉમટતાં મેળાના સંચાલકોને પણ ફાયદો થયો હતો. ભારે જનમેદનીથી જિલ્લા પંચાયત સર્કલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી માનવ મહેરામણ જોવા મળ્યું હતું. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રાવણી લોકમેળાના ભવ્ય પ્રતિસાદ મળતાં વધુ ત્રણ દિવસ લોકમેળો લંબાવ્યો છે.
શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રાવણ લોકમેળો લાયસન્સ સહિતની અન્ય પ્રક્રિયાઓને કારણે મોડો શરુ થયો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અમાસના રોજ પૂર્ણ થતો લોકમેળો જામનગર મહાનગરપાલિકા દ્વારા બંને લોકમેળા વધુ ત્રણ દિવસ એટલે કે, રવિવાર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. જેના પરિણામે શહેરીજનોને પણ મેળામાં મહાલવાનો વધુ મોકો મળશે.