જામનગર સહિત હાલાર પંથકમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ હર-હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે. શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને શિવભકતો ભોળાનાગની ભકિતમાં તલ્લીન થયા છે. ત્યારે આજરોજ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય લોકો મોટી સંખ્યામાં ભોળેશ્વર મહાદેવ મંદિરે ઉમટયા હતા. ગઇકાલે રાત્રિના સમયથી જ કેટલાક શિવભકતો પગપાળાં ભોળેશ્ર્વર મહાદેવના દર્શને ઉમટયા હતા. રાત્રિથી જ ભોળેશ્વર જવાના માર્ગ પર પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. બીજી તરફ ભોળેશ્વર જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પો પણ શરૂ થયા હતા. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં ભોળેશ્વર મહાદેવ મંદિરે જતા હોય છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે પદયાત્રા કરીને પણ ભકતો ભોળેશ્વર મહાદેવના દર્શને ઉમટતાં હોય છે. તયારે આ વર્ષે પણ શ્રાવણના પ્રથમ સોમવારથી જ ભોળેશ્વર મહાદેવના દર્શને જવા ભકતો નિકળ્યા હતા.