જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રામપર ગામના પાટીયા નજીકથી પૂરઝડપે બેફીકરાઇથી પસાર થતા ટ્રકચાલકે અજાણ્યા રાહદારીને હડફેટે લઈ ચગદી નાખતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાથી રામપરના પાટીયા તરફ જવાના માર્ગ પર ગત શુક્રવારે રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઇથી પસાર થતા જીજે-37-ટી-9106 નંબરના ટ્રકના ચાલકે પાત્રિસેક વર્ષના રાહદારી યુવાનને ઠોકર મારી હડફેટે લઈ ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદી નાખતા યુવાનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માતની રોડ પરથી પસાર થતા દિપેનભાઈ શેઠ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા અને ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.