દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ જિલ્લાભરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે, અહીં સ્ટાફના અભાવ વચ્ચે અન્ય સમસ્યાઓથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલની ચાર એમ્બ્યુલન્સ હાલ ભંગાર હાલતમાં હોવાથી દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે.
ખંભાળિયામાં થોડા સમય પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી વિશાળ સરકારી હોસ્પિટલમાં 150 બેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ તેની સામે માત્ર 90 બેડનો જ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં અન્ય સ્થળેથી કામચલાઉ રીતે તબીબો તો મૂકવામાં આવે છે, પરંતુ અહીં વર્ગ 3 તથા 4 ના કર્મચારીઓ પૂરતી સંખ્યામાં ન હોવાથી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અહીં આવતા દર્દીઓના સગાઓ કોઈપણ સ્થળે પાનની પિચકારી મારીને ગંદકી કરે છે. તારીખ 1 એપ્રિલથી હોસ્પિટલમાં કેસ બારી માટે નવું વર્ઝન આવ્યું હોવાથી અહીં પૂરતા સ્ટાફના અભાવે નવા કેસ માટે દર્દીઓની કતારો જોવા મળી રહી હતી.
હોસ્પિટલમાં ગંદકી કરનારા સામે દંડની જોગવાઈ (પાવતી બુક) રાખવામાં આવી છે. પરંતુ તેના અમલ માટે સ્ટાફ જ નથી. 150 બેડની આ હોસ્પિટલમાં 90 બેડનો સ્ટાફ કામ કરતો હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા નવા સ્ટાફની ભરતી કરવામાં ન આવતા તેમજ આ અંગેની મંજૂરી કે ખર્ચ માટે જોગવાઈ પણ ન કરાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વોર્ડ તેમજ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા અહીં ક્યારેક ઉકરડા જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ જાય છે.
તો આવી જ સ્થિતિ કમ્પાઉન્ડ તથા અન્ય સ્થળોની છે. અપૂરતા સ્ટાફને કારણે સિનિયર સિટીઝન બારી પણ અનેક વખત ખોલવા માટે સ્ટાફ હોતો નથી. સરકારી હોસ્પિટલનો સૌથી વધુ ઉપયોગ ગરીબો અને જરૂરીયાતમંદો કરતા હોય, ત્યારે હોસ્પિટલમાં વ્યાપક અગવડતાથી દર્દીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો એ રાજ્યનો સૌથી છેવાળાનો જિલ્લો છે. ત્યારે કરોડોની આ હોસ્પિટલ માટે જાણે આરોગ્ય તંત્રનું વર્તન ઓરમાયું હોય તેવું ચિત્ર ખડું થયું છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને ઈમરજન્સીના સમયમાં બહારગામ મોકલવા માટે 4 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. પરંતુ મહિનાઓથી આ એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં જોવા મળે છે. જે અંગે તંત્રના પ્રમાણ પછી પણ નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ નથી. જિલ્લાને સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ન અપાતા લોકોને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સની સેવાઓ લેવી પડે છે. પરિણામે ગરીબોને વધુ બોજ પડે છે.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલ અંગે આરોગ્ય તંત્રના ઓરમાયા વર્તનનો નમુનો એ છે કે નવી એમ્બ્યુલન્સ ખરીદવાની તમામ પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ થઈ ગયા પછી કમિશનરમાં આ અંગેની ફાઈનલ મંજૂરીનો કાગળ કોઈ કારણોસર અટકી ગયો હતો. જ્યારે લોકસભાની હાલ ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે આચારસંહિતા આવી ગયાનું કહી તેના પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. આમ, આરોગ્ય તંત્રની બેકાળજીના કારણે અહીંની સરકારી હોસ્પિટલને મહિનાઓથી નવી એમ્બ્યુલન્સ મળી શકી નથી.